ભારતીય રેલવે દ્વારા નિઃસહાય લોકોને વિનામૂલ્યે ગરમ ભોજનનું વિતરણ કરવામાં આવે છે
દરેકની સંભાળ લેવામાં આવે છે: કોવિડ-19ના કારણે લૉકડાઉન દરમિયાન તમામ લોકોને ભોજન મળે તે સુનિશ્ચિત કરવા ભારતીય રેલવે તમામ પ્રયાસો કરે છે
નવી દિલ્હી, 3 મે 2020 સુધી સમગ્ર દેશમાં લૉકડાઉનનો અમલ હોવાથી, તમામ નિઃસહાય વર્ગને સંભાળ અને ભોજન મળી રહે તે મુખ્ય બાબત છે. ભારતીય રેલવેએ લૉકડાઉનની શરૂઆતથી જ દેશના અંતરિયાળ વિસ્તારો સહિત તમામ જગ્યાએ પૂરવઠાની સાંકળ જાળવી રાખવા અને આવશ્યક ચીજવસ્તુઓ જેમ કે ખાદ્યાન્ન અને દવાઓની હેરફેર ચાલુ રાખવા માટે અગ્રીમ ભૂમિકા નિભાવી છે. ભારતીય રેલવે તંત્ર દ્વારા સમગ્ર દેશમાં રેલવેના રસોડા મારફતે જ્યાં પણ જિલ્લા વહીવટીતંત્ર ભોજન લઇ જઇને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડી શકે તેમ હોય ત્યાં દરરોજ 2.6 લાખ રાંધેલા ભોજનનો પૂરવઠો પૂરો પાડવાની જાહેરાત કરવામાં આવી છે. આ સંદર્ભે સમગ્ર દેશમાં તમામ જિલ્લા અધિકારીઓને જાણ કરવામાં આવી છે.
ઝોનવાર રસોડાના ઇન્ચાર્જની વિગતો રાજ્યોને આપવામાં આવી છે. પ્રારંભિક સમયમાં નિર્ધારિત સ્થળોએ રસોડાની ક્ષમતાના આધારે 2.6 લાખ ભોજન/ દિવસ આપવાની ઓફર કરવામાં આવી છે. જો જરૂર પડશે તો, આવા સ્થળોએ પૂરવઠો વધારી શકાય તેમ છે. આ ભોજન માત્ર રૂ. 15 જેટલી નજીવી કિંમતે ઉપલબ્ધ થશે. ચુકવણીની પતાવટ રાજ્ય સરકાર પછીથી કરી શકશે.
IRCTC માંગના આધારે રાંધેલા ભોજનની સંખ્યા વધારવા માટે સહમતી દાખવી છે. અત્યારે ભારતીય રેલવે દ્વારા દરરોજ જરૂરિયાતમંદ લોકોને એક લાખ થાળી ગરમ રાંધેલું ભોજન વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. રેલવેના સંખ્યાબંધ સંગઠનોમાં ભારતીય રેલવેનો સ્ટાફ 28 માર્ચ 2020થી કોવિડ-19ના કારણે લાગુ કરવામાં આવેલા દેશવ્યાપી લૉકડાઉન દરમિયાન જરૂરિયાતમંદ લોકોને ગરમ રાંધેલું ભોજન આપવા માટે અથાક કામ કરી રહ્યો છે. રેલવે દ્વારા IRCTC બેઝ રસોડા, RPF સંસાધનો, વ્યાપારી અને અન્ય રેલવે વિભાગો અને NGOના યોગદાન દ્વારા બપોરના ભોજન માટે કાગળની ડીશો સાથે જથ્થાબંધ રાંધેલું ભોજન આપવામાં આવે છે જ્યારે રાત્રિના ભોજન માટે તૈયાર ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવે છે.
કોવિડ-19ના કારણે દેશવ્યાપી લૉકડાઉન દરમિયાન રેલવે દ્વારા વિનામૂલ્યે રાંધેલા ભોજનનો આંકડો ગઇકાલે વીસ લાખથી વધીને 20.5 લાખ લોકો સુધી પહોંચી ગયો છે. મહામારી અને લૉકડાઉનના કારણે ભુખથી પીડાઇ રહેલા લોકો જેમ કે, અટવાઇ ગયેલા લોકો, દૈનિક વેતનદાર શ્રમજીવીઓ, વિસ્થાપિતો, બાળકો, કુલી, નિરાધાર લોકો, ગરીબો અને વિચરતા સમુદાયના લોકોને આ વિનામૂલ્યે રાંધેલું ગરમ ભોજન આપવામાં આવે છે.
ઉત્તરીય, પશ્ચિમી, પૂર્વીય, દક્ષિણ અને દક્ષિણ મધ્ય જેવા વિવિધ ઝોનમાં આવેલા IRCTC બેઝ રસોડાના સક્રીય સહકારથી આ શક્ય બન્યું છે. ભોજનના વિતરણની કામગીરી RPF, GRP, ઝોનના વ્યાપારી વિભાગો, રાજ્ય સરકારો, જિલ્લા વહીવટીતંત્રો અને NGOની મદદથી કરવામાં આવે છે અને રેલવે સ્ટેશન પરિસરની ઉપરાંત આસપાસના વિસ્તારોમાં પણ જરૂરિયાતમંદ લોકો સુધી ભોજન પહોંચાડવામાં આવે છે.
માંગ પ્રમાણે IRCTC રસોડા જરૂરિયાતમંદ લોકોની સેવા કરવા માટે સજ્જ છે જેમાં પૂર્વ ઝોનમાં ગયા, દીનદયાળ નગર (મુગલસરાઇ), રાજેન્દર નગર (પટણા), સમસ્તીપુર, ધનબાદ, હાજીપુર, કટીહાર, ગુવાહાટી, રાંચી, બાલાસોર, ટાટાનગર અને હાવરા; ઉત્તર ઝોનમાં નવી દિલ્હી અને પ્રયાગરાજ; દક્ષિણ મધ્ય ઝોનમાં વિજયવાડા, ખુરદા રોડ, વિશાખાપટ્ટનમ, રાયપુર; દક્ષિણ ઝોનમાં બેંગલોર, હુબલી, તિરુચિરાપલ્લી, કટપાડી, ચેંગલપટ્ટુ અને મદુરાઇ; પશ્ચિમ ઝોનમાં મુંબઇ, અમદાવાદ, પૂણે અને ભુસાવળ છે.