ફિલ્મ ડાયરેક્ટર દિનેશના ઘર અને ઓફિસ પર ઈડીના દરોડા
મુંબઈ: બોલિવુડ ફિલ્મમેકર દિનેશ વિજાનની ૧૫ સપ્ટેમ્બરના રોજ લગભગ ૮ કલાક સુધી ઈડી દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. હવે લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે, ઈડીની ટીમે દિનેશ વિજાનના ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા છે. સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં તપાસ ચલાવી રહેલી ઈડીની ટીમે આજે દિનેશ વિજાનના ઘર અને ઓફિસ પર રેડ પાડી છે. રિપોર્ટ મુજબ, ઈડીની ટીમ હાલ દિનેશ વિજાનના મુંબઈ સ્થિત ઘરે તપાસ કરી રહી છે. રિપોર્ટ પ્રમાણે, દિનેશ વિજાને સુશાંત સાથે બે પ્રોજેક્ટની ડીલ સાઈન કરી હતી પરંતુ ‘રાબતા’ પછી બીજી પ્રોજેક્ટ શરૂ જ ના થયો. ત્યારે હવે, ઈડીની ટીમ સુશાંત સાથેના બીજા કોન્ટ્રાક્ટ અને તે પ્રોજેક્ટ સાથે જોડાયેલી આર્થિક બાબતોની માહિતી મેળવવા મથી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ, દિનેશ વિજાને સુશાંતને ૨૦૧૬માં પેમેન્ટ આપ્યું હતું.
આ અંગે ઈડીએ દિનેશ વિજાનની પૂછપરછ પણ કરી હતી. જણાવી દઈએ કે, ૯ જૂન ૨૦૧૭ના રોજ દિનેશ વિજાનની ફિલ્મ રાબતા રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં સુશાંત અને ક્રિતી સેનન લીડ રોલમાં હતા. પુનર્જન્મના એંગલવાળી આ ફિલ્મની રિલીઝ પહેલા ખૂબ ચર્ચા હતી. પરંતુ રિલીઝ થયા બાદ બોક્સઓફિસ પર ફ્લોપ રહી હતી. સુશાંત સિંહ રાજપૂત અને ક્રિતી સેનને પહેલીવાર ફિલ્મમાં સાથે કામ કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, મની લોન્ડ્રિંગના એંગલથી સુશાંત કેસમાં તપાસ ચલાવી રહેલી ઈડીને હજી સુધી કોઈ શંકાસ્પદ લેવડ-દેવડ મળી નથી. સુશાંતના પરિવારના આરોપ મુજબના કોઈ આર્થિક વ્યવહારો રિયા ચક્રવર્તી કે તેના પરિવાર સાથે થયા હોવાનું હજી સુધી બહાર આવ્યું નથી. આ તરફ સીબીઆઈ સુશાંતના મોત કેસની તપાસ ચલાવી રહી છે. તો એમ્સએ સુશાંતનો ઓટોપ્સી રિપોર્ટ આપ્યો છે, એક્ટરની હત્યા થઈ હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. એમ્સે સીબીઆઈને પોતાનો ફાઈનલ ફોરેન્સિક રિપોર્ટ આપી દીધો છે જેમાં સુશાંતનું મોત આત્મહત્યાના લીધે થયું હોવાનું કહેવાયું છે.