બગોદરા નજીક CM રૂપાણીના પરિવારજનોનો અકસ્માત, CMના ભાભી ઇજાગ્રસ્ત
અમદાવાદ :રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના ભાઈ-ભાભીની કારને બગોદરા-બાવળા હાઈવે પર અકસ્માત નડ્યો હતો, જેમાં CM રૂપાણીના ભાભીને ઈજા પહોંચી છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટથી અમદાવાદ જઈ રહેલા રૂપાણી પરિવારની કાર બાવળા-બગોદરા હાઈવે પરથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન સામે અમદાવાદથી પાલિતાણા તરફ જઈ રહેલા મુંબઈના પરિવારની કાર સાથે ધડાકાભેર ટકરાઈ હતી. આ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને 108 દ્વારા સારવાર માટે બગોદરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા. જોકે, અકસ્માતમાં મુખ્યમંત્રીના ભાભીને ગંભીર ઇજા પહોંચી નહોતી અને તેઓ અમદાવાદ જવા રવાના થઈ ગયા હતા.
CMના ભાઈની કારને અકસ્માત થયો હોવાની જાણ થતાં જ પોલીસ તંત્ર સાબદુ થયું હતું અને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયું હતું. આ અકસ્માતમાં સામેની કારના મુસાફરોને વધારે ઇજા પહોંચી હોવાના અહેવાલો પણ આવ્યા છે. જોકે, તેમને સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતા.
આ અક્સમાત બાદ રૂપાણી પરિવાર તાત્કાલિક સારવાર મેળવી અન્ય પ્રાઈવેટ વાહનમાં અમદાવાદ જવા રવાના થયો હતો. આ ઘટનાની જાણ થતા બગોદરા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.