બાકી ટેક્સ બાબતે 4098 રહેણાંક મિલકતોને AMCની છેલ્લી ચેતવણીની નોટિસ
દક્ષિણ ઝોનમાં ૧૨૦૦થી વધુ રહેણાક મિલકતોને તંત્રની નોટિસ
(એજન્સી)અમદાવાદ, માર્ચ એન્ડિંગના આ દિવસોમાં મ્યુનિસિપલ પ્રોપ્રટી ટેક્સ વિભાગ બાકી ટેક્સ વસૂલાત માટે શહેરભરમાં મોટી રકમના ડિફોલ્ટર્સની કોમર્શિયલ મિલકતોને સીલ મારી રહ્યો છે. આ ઝુંબેશ હેઠળ રોજેરોજ બેથી અઢી હજાર જેટલી કોમર્શિયલ મિલકતોને તંત્રના તાળાં લાગી રહ્યાં છે. દરમિયાન, સત્તાવાળાઓએ રહેણાક મિલકતનો બાકી ટેક્સ ભરવામાં અખાડા કરતા નાગરિકો સામે પણ લાલ આંખ કરી છે.
પશ્ચિમ ઝોનમાં સત્તાધીશોએ ૪૦૯૮ રહેણાક મિલકતોના મામલે બાકી ટેક્સ વસૂલાત માટે છેલ્લી ચેતવમઈની નોટિસ ફટકારતાં રહેણાક મિલકતોનો ટેક્સ ભરવાનું ટાળતાં મિલકતધારકોમાં ભારે ફફડાટ પેસી ગયો છે.
તંત્ર દ્વારા બાકી ટેક્સ ભરપાઈ કરવા માટે ડિફોલ્ટર્સની મિલકતનાં પાણી અને ગટરનાં કનેક્શન કાપવામાં આવી રહ્યાં છે. તેમની મિલકતો ટાંચમાં લઈને હરાજી દ્વારા વેચાણ કરી વસૂલાતની કાર્યવાહી કરવામાં આવી રહી છે. કલેક્ટરના રેકોર્ડમાં આવી મિલકતોની બીજો નોંધમઈ થઈ રહી છે. ઉપરાંત તંત્રની ચેકિંગ ટીમ દ્વાર જે મિલકતધારકો દ્વારા તંત્રના સીલ ખોલીને તેવી મિલકતનો વપરાશ કરવામાં આવી રહ્યો હોય તેની સામે પોલીસ ફરિયાદ પણ થઈ રહી છે.
આ ઉપરાંત અણુક કિસ્સામાં ટેક્સ ભરપાઈ પેટે આપેલો ચેક બાઉન્સ થાય તો તેવા કરદાતા સામે નેગોશિયેબલ ઈન્સ્ટુમેન્ટની કલમ-૧૩૮ હેઠળ ક્રિમિનલ કેસ પણ દાખળ કરવામાં આવી રહ્યાં છે.
દરમિયાન,પશ્ચિમ ઝોનમાં પ્રોપ્રટી ટેક્સ વિભાગે ૮૧૪ કોમર્શિયલ મિલકતોને તાળાં મારી દીધાં હતાં, જેમાં વાસણાના ગુપ્તાનગર, વિજય કોમપ્લેક્સ, આશ્રમરોડ પર મરડિયા પ્લાઝા, દેવનંદન મેગા મોલ, જનપથ કોમ્પ્લેક્સ, નવરંગપુરામાં મ્યુનિસિપલ માર્કેટ, નહેરુનગરમાં ગોયલ ટાવર, નવા વાડજમાં ચામુંડા કોમ્પ્લેક્સ, ગોવિંદ પ્લાઝા, પી.કે. હાઉસ, અંકુરમાં શિવાલિક કોમ્પ્લેક્સ, વ્યાસવાડીમાં વી.એન. ગ્રીન કોમ્પ્લેક્સ, સિમંધર હાઈટ્સ, સુભાષબ્રિજ પરના માનસરોવર, તીર્થજ્યોતિ પ્લાઝા, ચાંદખેડાના નક્ષત્ર આર્કેડ વગેરે સ્થળોએ આવેલી ડિફોલ્ટર્સની કોમર્શિયલ મિલકતોને તંત્ર દ્વારા સીલ મારી દેવામાં આવ્યાં હતાં. પશ્ચિમ ઝોનમાં તંત્રને રૂ. એક કરોડની ટેક્સની આવક થઈ હતી.
જ્યારે શહેરના દક્ષિણ ઝોનમાં મ્યુનિસિપલ ટેક્સ બાકી હોય તેવી રહેણાકવાળી ૧૨૦૦થી વધુ મિલકતોને નોટિસ ફટકારવામાં આવી છે. બિનરહેણાક ૧૧૦થી વધુ મિલકતોને પણ નોટિસ અપાઈ છે. દક્ષિણ ઝોનમાં તંત્રએ રૂ. ૧.૭૨ કરોડનો ટેક્સ વસૂલ્યો હતો.