બાયડના સૈયદવાડા વિસ્તારમાં લોકડાઉનની અમલવારી કરાવવા જતા પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ

(જીત ત્રિવેદી, ભીલોડા) ગુજરાતમાં કોરોનાના ૪૩૨ થી વધુ લોકો સંક્રમિત બન્યા છે ૧૯ લોકો કોરોના સામે જંગ હારી જતા મોતને ભેટ્યા છે રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધતાં તંત્ર દ્વારા કડક તપાસ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.અરવલ્લી જીલ્લામાં લોકડાઉનની અમલવારી માટે સતત રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે બાયડ પોલીસ પેટ્રોલિંગ દરમિયાન સૈયદવાડા વિસ્તારમાં ટોળેવળી બેઠેલા યુવકો અને પોલીસ વચ્ચે બોલાચાલી પછી સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ પેદા થતા મામલો બિચક્યો હતો જિલ્લા એસપીએ પોલીસ કાફલો ખડકી દઈ વણસતી સ્થિતિને કાબુમાં લીધી હતી
આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર બાયડ પોલીસ લોકડાઉનની અમલવારી માટે બાયડ શહેરમાં પેટ્રોલિંગની કામગીરી કરી રહી હતી સૈયદવાડા વિસ્તારમાં કેટલાક યુવાનો ટોળેવળી ગપ્પામાં મારતા હોવાથી પોલીસે લોકડાઉનની અમલવારી અને કલેક્ટરના જાહેરનામાના ભંગ અંગેની કાર્યવાહી કરતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરતા ઘર્ષણના દ્રશ્યો પેદા થયા હતા
બાયડ પોલીસે ઘટનાની ગંભીરતા સમજી જિલ્લા પોલીસવડાને સમગ્ર ઘટના અંગે જાણ કરવામાં આવતા જિલ્લા એલસીબી, એસઓજી પોલીસનો કાફલો અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક પેટ્રોલિંગ સહિતની કામગીરી કરીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી અને મોટી સંખ્યામાં પોલીસ કાફલો તહેનાત કરી દેવામાં આવ્યો હતો ૧૦ થી વધુ યુવકોની અટકાયત કરી બાયડ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
એકબાજુ કોરોનાને અટકાવવા માટે તંત્ર અને પોલીસ દ્વારા દિવસ રાત એક કરી કામગીરી કરવામાં આવી રહી છે. ત્યાં લોકોની સુરક્ષા માટે જ આ તમામ કાર્યવાહી કરવામાં આવતી હોવા છતાં અમુક લોકો દ્વારા સતત અવરોધો ઉભા કરવામાં આવી રહ્યા છે. લોકો હજુ પણ કોરોના વાયરસની ગંભીરતાને સમજી રહ્યા નથી.