બિગબોસનો દરેક એપિસોડ એક કલાકનો જ રહેશે
મુંબઈ: ઈન્ડિયન ટેલિવિઝન દુનિયાના સૌથી મોટા રિયાલિટી શો બિગ બૉસ’નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ૩ ઑક્ટોબરથી બિગ બોસ ૧૪ની શરૂઆત થવાની છે પણ આ દરમિયાન સમાચાર આવ્યા છે કે, આ વખતે એપિસોડ્સ એક કલાકને બદલે માત્ર અડધો કલાકના હશે. સહજપણે ફેન્સને આ વાત પસંદ નથી આવી પણ હવે શોનું પ્રસારણ કરનારી ચેનલે સ્પષ્ટ કરી દીધું છે કે, આવું કશું જ થઈ રહ્યું નથી. દરેક સિઝનની જેમ આ વખતે પણ બિગ બૉસના ઘરમાં ઘણી પૉપ્યુલર સેલિબ્રિટીઝ ત્રણ મહિના માટે કેદ થશે.
કોરોના સંક્રમણને કારણે આ વખતે શોના ઘણા નિયમો બદલાઈ ગયા છે, બીજી તરફ એવા પણ રિપોર્ટ્સ આવી રહ્યા છે કે, આ સિઝનમાં કન્ટેસ્ટન્ટ ઘરમાં ફોન લઈ જઈ શકશે. અલબત્ત શોના એપિસોડ્સને સમયને અડધો કલાક કરવાના રિપોર્ટ્સનું ચેનલે ખંડન કર્યું છે. રિપોર્ટ અનુસાર, કલર્સ ચેનલના પ્રવક્તાએ કહ્યું કે, ‘બિગ બૉસ’ના શો ટાઈમ ઘટાડો કરાઈ રહ્યો નથી. તેમણે કહ્યું કે,
‘એવા રિપોર્ટ્સ આવી રહ્યા છે કે, બિગ બૉસનો એર ટાઈમ ઘટાડીને ૩૦ મિનિટ કરી દેવાયો છે. આ સાચું નથી. શો પોતાના જૂના અંદાજમાં જ દરરોજ ૧ કલાક માટે સોમવારથી શુક્રવાર સુધી રાતે ૧૦.૩૦ વાગ્યે પ્રસારિત થશે જ્યારે શનિવાર અને રવિવારે ‘વીકેન્ડ કા વાર’ ૧ કલાક માટે પ્રસારિત થશે. તાજેતરમાં જ શોને લૉન્ચ કરતા હોસ્ટ સલમાન ખાને એક વર્ચ્યુઅલ કૉન્ફરન્સનું આયોજન કર્યું હતું.
આમાં શોના પ્રથમ કન્ટેસ્ટન્ટને પણ દર્શકોથી રૂબરૂ કરાવવામાં આવ્યા. આ શોનો પ્રથમ કન્ટેન્સ્ટન્ટ દિગ્ગજ સિંગર કુમાર સાનુનો પુત્ર જાન કુમાર સાનુ હશે. બીજી તરફ ચર્ચા છે કે, આ વખતે શોમાં નિશાંત સિંહ મલકાન, સારા ગુરપાલ, આમિર ખાનનો ભાઈ એજાઝ ખાન, રૂબીના દિલાઈક, અભિનવ શુક્લા, નિક્કી તમ્બોલી, રાહુલ વૈદ્ય અને જાસ્મિન ભસીન પણ ભાગ લેશે.