બિગ બોસ ૧૪માં પહેલા જ દિવસથી ઘરમાં ઝઘડા શરૂ થયા
મુંબઈ: બિગ બોસ ૧૪ની ધમાકેદાર શરૂઆત બાદ આવનારા એપિસોડમાં ઘરમાં જબરદસ્ત ઘમાસાણ પણ જોવા મળશે. દર વખતે બિગ બોસની સીઝનમાં કન્ટેસ્ટન્ટ્સ વચ્ચે થતાં ઝઘડા ચર્ચાનું કારણ બને છે. ત્યારે ૧૪મી સીઝનમાં તો પહેલા દિવસથી જ ઝઘડાની શરૂઆત થઈ ગઈ છે. શોના મેકર્સ પહેલા દિવસના એપિસોડનો પ્રિવ્યૂ પ્રોમો રિલીઝ કર્યો છે. જેમાં પહેલા જ દિવસે નિક્કી તંબોલી અને જાસ્મીન ભસીન વચ્ચે ઝઘડો જોવા મળે છે. ૪ ઓક્ટોબરે પ્રસારિત થનારા એપિસોડમાં જોવા મળશે કે નિક્કીને રસોડાની કામગીરી સોંપવામાં આવી છે પરંતુ તે કરવાની ના પાડી દે છે.
જેથી જાસ્મીન ભસીન પિત્તો ગુમાવે છે અને કહે છે કે તે દર વખતે ના ન પાડી શકે. જાસ્મીન કહે છે, “આવું ના ચાલેને. નિક્કી તું દરેક વખતે આદેશ ના આપી શકે. આ ઉપરાંત નિક્કીની વાત કરવાની રીતથી પણ જાસ્મીન ચીડાઈ જાય છે. જાસ્મીન ખૂબ ગુસ્સો કર્યા પછી ભાંગી પડે છે અને કહે છે, “મેં તેની સાથે હંમેશા સારું વર્તન કર્યું છે.” તો બીજી તરફ નિક્કી પણ એક ખૂણામાં બેસીને આંસુ સારતી જોવા મળે છે. જણાવી દઈએ કે, પ્રીમિયર એપિસોડમાં નિક્કીએ નખ તૂટી જશે તેમ કહીને ચોખા ઉપાડવાની પણ ના પાડી દીધી હતી.
એજાઝ ખાને નિક્કીને ચોખા ઉપાડવાનું કહ્યું હતું પરંતુ પહેલા દિવસથી જ આ બધું કામ નથી કરવું તેમ કહીને નિક્કીએ વાત ઉડાવી દીધી હતી. પ્રોમોમાં રાધે મા પણ ઘરમાં પ્રવેશતા જોવા મળે છે. તેઓ સિદ્ધાર્થ શુક્લાને આશીર્વાદ આપે છે. તો સિદ્ધાર્થ પણ આખા ઘરમાં રાધે માની પાછળ-પાછળ ફરતો જોવા મળે છે. ઉપરાંત રાધે મા ઘરમાં નૃત્ય કરતા પણ જોવા મળશે. જણાવી દઈએ કે, હિના ખાન, સિદ્ધાર્થ શુક્લા અને ગૌહર ખાન ઘરમાં સ્પેશિયલ ગેસ્ટ બનીને આવ્યા છે અને તેઓ કન્ટેસ્ટન્ટ્સને ટાસ્ક આપશે.