બિહારઃ પટણામાં દારુનો જથ્થો જ્યાંથી પકડાશે તે મિલ્કત જપ્ત કરીને હરાજી કરાશે
નવી દિલ્હી, ગુજરાતની જેમ બિહારમાં પણ દારુબંધી લાગુ કરવામાં આવી છે.જોકે લોકો ચોરી છુપી દારુ મંગાવીને પી તો રહ્યા જ છે.જેના કારણે ગુજરાતની જેમ હવે બિહારમાં પણ બૂટલેગરો દ્વારા મોટા પાયે દારુની હેરફેર કરવામાં આવી રહી છે.જેના પગલે પોલીસ માટે નવુ ટેન્શન ઉભુ થયુ છે.
આ સંજોગોમાં દારુબંધીને કડકાઈથી લાગુ કરવા માટે પટણા પોલીસે એક મોટો નિર્ણય લીધો છે.પોલીસના કહેવા પ્રમાણે હવે જે મકાન કે દુકાનમાંથી દારુનો જથ્થો પકડાશે તે મકાન કે દુકાનને સ્થાનિક તંત્ર જપ્ત કરી લેશે.
પોલીસનો આવો નિર્ણય લેવા પાછળનો આશય એ છે કે, કોઈ પણ સ્થળનો દારુનો જથ્થો સંગ્રહ કરવા માટે થતો ઉપયોગ અટકે.ઉલ્લેખનીય છે કે, પટણામાં તાજેતરમાં એક ગોડાઉનમાંથી કરોડો રુપિયાનો દારુનો જથ્થો પકડાયો હતો.
એ પછી પોલીસ દ્વારા દારુબંધીને વધુ અસરકારક રીતે લાગુ કરવાનુ નક્કી કરાયુ છે. તંત્રનુ કહેવુ છે કે, જે પ્રોપર્ટીમાંથી દારુનો જથ્થો મળશે તેને જપ્ત તો કરાશે જ અને સાથે સાથે તેની હરાજી પણ કરવામાં આવશે.