બીગ બીએ દિલ્હી સ્થિત ‘સોપાન’ બંગલો 23 કરોડ રૂપિયામાં વેચ્યો
મુંબઈ, બિગ બી અવાર-નવાર નવી પ્રોપર્ટી ખરીદીને ચર્ચાનું કેન્દ્ર બનતા રહે છે. હાલમાં જ તેમણે સાઉથ દિલ્હીમાં પેરેન્ટ્સનો બંગલો ‘સોપાન’ 23 કરોડ રૂપિયામાં વેચ્યો છે.
આ બંગલામાં તેમનાં માતા તેજી બચ્ચન અને પિતા હરિવંશરાય બચ્ચન રહેતાં હતાં. પ્રોપર્ટી ડીલર સાથે તેમણે 23 કરોડ રૂપિયાની ડીલ ફિક્સ કરી હોવાના સમાચાર સામે આવ્યા છે.
‘જલસા’ બંગલામાં બચ્ચન પરિવાર રહે છે. બે માળનો બંગલો ડિરેક્ટર રમેશ સિપ્પીએ બિગ બીને ગિફ્ટમાં આપ્યો હતો. 1982માં ફિલ્મ ‘સત્તે પે સત્તા’ના શૂટિંગ દરમિયાન રમેશ સિપ્પીએ આ બંગલો આપ્યો હતો. આ બંગલો 10,125 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો છે.
આ ઘર પહેલાં અમિતાભના ભાઈ અજિતાભની પત્ની રમોલાના નામે હતું. સૂત્રોના મતે, ટેક્સ રિલેટેડ ઈશ્યૂને કારણે આમ કરવામાં આવ્યું હતું. 2006માં જલસા ઘર જયા બચ્ચનના નામે કરવામાં આવ્યું હતું.
જલસા ઘરમાં અનુરાગ કશ્યપની ફિલ્મ ‘મુરબ્બા’નું શૂટિંગ પણ થયું હતું. અલબત્ત, તેમાં બંગલાની બહારનો અને પોર્ચનો ભાગ જ આવરી લેવાયો હતો, ઘરનું ઈન્ટિરિયર તેમાં કેપ્ચર કરવામાં આવ્યું નહોતું.
અમિતાભ બચ્ચને જૂહુમાં સૌ પહેલો બંગલો ‘પ્રતીક્ષા’ ખરીદ્યો હતો. તેઓ અહીંયા પેરેન્ટ્સ ડૉ. હરિવંશ રાય બચ્ચન તથા તેજી બચ્ચન સાથે રહેતા હતા. હરિવંશ રાય બચ્ચને આ ઘરનું નામ પ્રતીક્ષા આપ્યું હતું.
આ ઘરમાં હરિવંશ રાય બચ્ચને પોતાના હાથે મંદિર બનાવ્યું છે. અહીંયા અમિતાભ નિયમિત રીતે પૂજા કરવા માટે આવે છે. 2007માં અભિષેક તથા ઐશ્વર્યાનાં લગ્ન અહીંયા જ યોજાયાં હતાં. પ્રતીક્ષાનો અર્થ રાહ જોવી એવો થાય છે.
જલસાની બાજુમાં અમિતાભ બચ્ચનનો બંગલો જનક છે. આ બંગલામાં બિગ બીની ઓફિસ છે. બચ્ચન અહીંયા નિયમિત રીતે જિમમાં આવે છે. જનકનો અર્થ પિતા થાય છે.
અમિતાભ બચ્ચનનો વત્સ બંગલો જુહૂમાં છે. આ બંગલો સિટીબેંક ઈન્ડિયાને લીઝ પર આપેલો હતો. જોકે, 2019માં સિટીબેંકે નવી જગ્યાએ પોતાની બ્રાન્ચ ઓફિસ ખોલી હતી. વત્સનો અર્થ વ્હાલો પુત્ર એવો થાય છે.