Western Times News

Gujarati News

મેરિટલ રેપ: દરેક લગ્ન હિંસક અને દરેક પુરુષને રેપિસ્ટ ન કહી શકાયઃ સ્મૃતિ ઈરાની

નવી દિલ્હી,  સંસદમાં વિપક્ષ તરફથી મેરિટલ રેપ વિશે મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, જે વિશે મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ સરકારના પક્ષમાં નિવેદન આપતા કહ્યું હતું કે, બાળકો અને મહિલાઓને પ્રાથમિકતા આપવી યોગ્ય છે પરંતુ દરેક પરિણીત પુરુષને રેપિસ્ટ ગણાવવો પણ ખોટી વાત છે.

સંસદમાં રજૂ કરવામાં આવેલા બજેટ પર ચર્ચા દરમિયાન સીપીઆઈ બિનોય વિશ્વમે મેરિટલ રેપનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેનો જવાબ આપતા તેમણે કહ્યું કે, પરિણિત જીવનમાં હિંસાને સમર્થન ના આપી શકાય પરંતુ આ કાયદા પાછળ દેશના દરેક લગ્નને હિંસક માનીને તેની નિંદા કરવી અથવા દેશના દરેક પરિણિત પુરુષને રેપિસ્ટ માનવું યોગ્ય નથી.

તે સાથે જ કહ્યું છે કે, આપણાં દેશમાં બાળકો અને મહિલાઓને પ્રાથમિકતા આપવામાં આવે છે, પરંતુ દરેક પુરુષોને ખોટા ના કહી શકાય. તેમણે કહ્યું કે, કેન્દ્રએ ઘરેલુ હિંસાની કલમ 3 અને આઈપીસીની કલમ 375ને હંમેશા મહત્વ આપ્યું છે.

કોઈ પણ મહિલાને દહેજ માટે ત્રાસ આપવો, જબરજસ્તી શારીરિક સંબંધ બનાવવો, મહિલા સાથે મારઝૂડ કરવી, આ દરેક ગુના ઘરેલુ હિંસાની કલમ 3 અંતર્ગત આવે છે. મહિલા સાથે આ દરેક ગુનો કરતા દંડની સાથે સાથે આજીવન જેલની સજા થઈ શકે છે.

જ્યારે કોઈ પુરુષ કોઈ મહિલા સાથે તેની ઈચ્છા વિરુદ્ધ, તેની સહમતી વગર, તેને ડરાવી-ધમકાવીને, માનસિક અસ્થિર, પાગલ અથવા નશાની હાલતમાં કોઈ મહિલાને દગો આપીને શારીરિક સંબંધ બનાવવામાં આવે તો તેને દુષ્કર્મ કહેવામાં આવે છે. આ ગુનામાં કલમ 375 અંતર્ગત કાર્યવાહી કરવામાં આવે છે. તેમાં ઓછામાં ઓછી સાત વર્ષ અને વધુમાં વધુ આજીવન જેલ થઈ શકે છે.

સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, મહિલાઓની મદદ માટે 30થી વધારે હેલ્પલાઈન કામ કરી રહી છે. અત્યાર સુધી આ હેલ્પલાઈનથી 66 લાખથી વધારે મહિલાઓને મદદ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, દેશમાં 703 ‘વન સ્ટોપ સેન્ટર’ પણ મહિલાઓને મદદ કરવાનું કામ કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.