બોબી દેઓલની બોલિવૂડમાં ૨૫ વર્ષની સફળ સફર
મુંબઈ: બૉબી દેઓલે ફિલ્મ બરસાત’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. જે સમયે બૉબીએ ડેબ્યૂ કર્યું હતું ત્યારે તેને ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો સૌથી સ્ટાઈલિશ હીરો માનવામાં આવતો હતો. ત્યારબાદ બૉબીએ ઘણી બધી સુપરહિટ ફિલ્મો આપી પરંતુ એક સમય એવો આવ્યો જ્યારે તેને કામ મળવાનું બિલકુલ બંધ થઈ ગયું. બૉબી દેઓલ કહે છે કે, તેને હજુ પણ વિશ્વાસ નથી થઈ રહ્યો કે, તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ૨૫ વર્ષ પૂરા કરી લીધા છે, તેણે કહ્યું કે, ‘મને હજુ પણ બરસાતના શૂટિંગનો દિવસ યાદ છે. ૨૫ વર્ષ બાદ પણ એવું જ લાગે છે જાણે આ ગઈકાલની વાત છે. સમય કેટલો ઝડપથી નીકળી જાય છે. મારે હજુ પણ પોતાની જિંદગીમાં ઘણું બધું કરવાનું છે
જેના માટે ખૂબ મહેનત કરવાની છે. બૉબી દેઓલ કહે છે કે એક સમયે તે ઘણો મોટો સ્ટાર હતો પણ પછી તેણે નક્કી કર્યું કે, તેને એક સારા એક્ટર તરીકે ઓળખ મળવી જોઈએ. તેણે કહ્યું, ‘મને લાગે છે કે, આ મારા કરિયર અને લાઈફની શરૂઆત માત્ર છે. અત્યારે હું કંઈક સારું કામ કરી રહ્યો છું. હું એક એવું પાત્ર ભજવી રહ્યો છું જેના વિશે લોકો એક સમયે કલ્પના પણ નહીં કરી શકતા હોય કે, બૉબી આવા રોલ્સ પણ કરશે. બૉબીનો પુત્ર આર્યમાન આજકાલ પોતાના ગુડ લુક્સને કારણે ઘણો ચર્ચામાં રહે છે. જ્યારે તેના બોલિવૂડમાં આવવા અંગે બૉબીને પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, તે પોતાના બંને પુત્રો પણ કોઈ દબાણ કરતો નથી.
બૉબીએ કહ્યું કે, આર્યમાન અત્યારે બિઝનેસ મેનેજમેન્ટનું ભણી રહ્યો છે અને જ્યારે તેને પોતાનું કરિયર પસંદ કરવાનું હશે ત્યારે તે તેના પર કોઈ દબાણ નહીં કરે. દેઓલ ફેમિલીમાં ધર્મેન્દ્ર અને સની દેઓલ ક્યારેય ડાન્સ ન કરી શક્યા. જોકે, બૉબી દેઓલ આમ તો ડાન્સ કરી લે છે પણ પોતાને એક પરફેક્ટ ડાન્સર માનતો નથી. બૉબીએ કહ્યું કે, ‘હું રિતિક રોશન અથવા ટાઈગર શ્રોફ જેવો શાનદાર ડાન્સર નથી પણ જ્યારે મારા ભાઈ ડાન્સ કરે છે તો લોકો એન્જૉય કરે છે અને આ જ વાત પપ્પા પર પણ લાગુ થાય છે.
એક સમયે બૉબી દેઓલ પાસે બિલકુલ કામ નહોતું. ત્યારબાદ તે સલમાન ખાનની ફિલ્મ ‘રેસ ૩’માં એકદમ નવા અવતારમાં જોવા મળ્યો. બૉબીએ આ અંગે કહ્યું કે, ‘સલમાને મને બોલાવ્યો અને કહ્યું કે, ઉતારીશ? અને મેં હા પાડી. બાદમાં મેં મારી ફિઝિક પર કામ કરવાનું શરૂ કર્યું. હું આ તક આપવા માટે સલમાન ખાનનો હંમેશાં આભારી રહીશ.