ભરૂચ જિલ્લામાં અકસ્માતના 3 અલગ અલગ બનાવમાં એક બાળક સહિત બેના મોત
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચની નર્મદા ચોકડીથી એબીસી ચોકડી જતા આનંદ હોટલ નજીક સર્જાયેલ અકસ્માતમાં બાળકનું મોત થયું હતું તો આમોદના સિમરથા ગામ પાસે દિલ્હી – મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર ટ્રિપલ વાહન અકસ્માતમાં બે લોકોને ઈજાઓ પહોંચી હતી.
જયારે ઝઘડિયા તાલુકાના હરિપુરા પાસે અકસ્માતમાં એકનું મોત થતા ભરૂચ જીલ્લામાં અલગ અલગ ત્રણ અકસ્માતોમાં બાળક સહીત બેના મોત નિજપ્યાં હતા જયારે ત્રણને ઈજા થવા પામતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
પ્રથમ અકસ્માતમાં ભરૂચના સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદી મમતાબેન રાજેશભાઈ શીંગાળાએ તારીખ ૨૨ મી મે ના રોજ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે હું એક્ટિવા નંબર જીજે ૧૬ ડીકયુ ૭૦૯૯ ની લઈ મારા માનસ નગર ઝાડેશ્વરના ઘરેથી માતરિયા તળાવ તરફ જવા નીકળી હતી અને નર્મદા ચોકડીથી એબીસી ચોકડી તરફ એક્ટિવા ઉપર બાળકોને લઈ પસાર થઈ રહી હતી.
તે દરમ્યાન આનંદ હોટલ નજીક ટ્રક નંબર જીજે ૦૨ એક્સએક્સ ૫૨૭૪ ના ચાલકે એક્ટિવાને ટક્કર મારતા એક્ટિવાના સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા એક્ટિવા પર સવાર નવ વર્ષીય હેનીલ ધર્મેશ કાપડીયા કે જે મારી બહેન જલપાનો સુરતના સરથાણા જકાતનાકા નજીક આવેલ ગોવિંદપાર્ક સોસાયટીથી મારા ઘરે વેકેશન કરવા આવેલ જે એક્ટિવા પરથી નીચે પટકાતા તેની પાછળ ટ્રકનું પાછળના ટાયર માં આવી જતા
તેને પેટ અને માથાના ભાગે ગંભીર ઈજા થયેલ અને માથું છૂંદાઈ જતા તેનું ગંભીર ઈજાના પગલે ઘટના સ્થળે મોત થયું હતું.જયારે એક્ટિવા ઉપર સવાર નવ વર્ષીય બાળકી કયારાને ચેહેરાની જમણી બાજુ તેમજ હાથમાં ઈજા થઈ હતી. જયારે એક્ટિવા ચાલક મમતા શીંગાળાને સામાન્ય ઈજા થઈ હતી.અકસ્માતમાં માસુમ નવ વર્ષના બાળકનું મોત થતા લોકોના ટોળે ટોળા એકત્ર થયા હતા અને રોષે ભરાયા હતા.
ટ્રક ચાલક અને ક્લીનરને ઝડપી પાડી મેથી પાક ચખાડયો હતો અને પોલીસને હવાલે કર્યો હતો.અકસ્માત સર્જનાર તર્ક ચાલક અશોકભાઈ લખાભાઈ પરમાર રહે.નરસાણા તા.શહેરા જી.પંચમહાલ સામે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી આગળની તપાસ પીએસઆઈ ભીમાભાઈ શેલાણા ચલાવી રહ્યા છે.
અકસ્માતના બીજા બનાવમાં ભરૂચ જીલ્લાના આમોદ તાલુકાના સિમરથા ગામ પાસે આવેલ દિલ્હી – મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર ટ્રિપલ વાહન વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં ટાટા ટેમ્પો,આઈસર ટેમ્પો અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા વાહન ચાલાક કિશન જાદવ અને ઉમેશ રાઠોડ નાઓને ઈજાઓ પહોંચતા તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.દિલ્હી – મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર સર્જાયેલા ટ્રિપલ વાહન અકસ્માતમા આઈસર ટેમ્પો રોડ સાઈડની લોખંડની ગ્રીલ ઉપર ચઢી ગયો હતો.
અક્સ્માતના ત્રીજા બનાવમાં ભરૂચ જીલ્લાના ઝઘડિયાના હરિપુરા પાસે રાજપારડી તરફથી પુરપાટ ઝડપે આવતી કારના ચાલકે સ્કૂટી સવાર બે લોકોને અડફેટે લીધા હતા.કારની ટક્કર લાગતાં જ સ્કૂટી સવાર બે લોકો હવામાં ફાંગોળાયા હતા.જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું.જયારે બીજા વ્યક્તિને શરીરે ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
બનાવની જાણ થતાં જ ઉમલ્લા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ઉમલ્લા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો.ઉમલ્લા પોલીસે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત અને એકને ઈજાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી હતી.