Western Times News

Gujarati News

પીરાણામાં કબરો તોડી પાડનાર સામે પગલાં ભરવા માંગ કરીઃ નડિયાદ કલેકટરને આવેદનપત્ર

નડિયાદઃ સમસ્ત મુસ્લિમ સમાજે કલેકટરને આવેદન પત્ર આપી -દરગાહ કબરો પુનઃસ્થાપિત કરવા મુસ્લિમ આગેવાનોની માંગ

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) નડિયાદમાં આવેલ ચીસ્તીયા ફાઉન્ડેશન ટ્રસ્ટ અને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી અમદાવાદ નજીક આવેલા પીરાણા ગામે હઝરત ઈમામશાહ બાવા રોજા સંસ્થા માં દરગાહની કબરો તોડી પાડી સમથળ કરનાર સામે પગલાં ભરવા તેમજ આ દરગાહ તથા કબરો પુનઃ હતી તેવી કરી આપવા માંગ કરી છે

નડિયાદ ચિસ્તિયા ફાઉન્ડેશન ટ્રસ્ટ ના પ્રમુખ સોહિલભાઈ વોરા તેમજ સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનોએ જિલ્લા કલેકટર કચેરીએ ખાતે હાજર થઈ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું જેમાં જણાવ્યું છે કે અમદાવાદ નજીક પીરાણા ગામ મુકામે આવેલ ઈમામશાહબાવા રોજા સંસ્થાની જગ્યામાં તા. ૦૭/૦૫/૨૦૨૪ ના રાત્રીના સમયમાં ઈમામશાહબાવા, નરઅલી મોહંમદશાહબાવા તથા બીબી ફાતેમા અમ્મા તેમજ દરગાહના પ્રાંગણમાં

આવેલ હઝરત હાજરબેગબાવા, સૈયદ મુસ્તુફાબાવા અને અન્ય સુફી સંતોની કબરો તોડીને સમથળ કરી તેનુ મુળ સ્વરૂપ બદલીને સમાધીમાં ફેરવવાનું દુષ્કૃત્ય સંસ્થાના કચ્છી પટેલ ટ્રસ્ટી હર્ષદ પટેલ તેમજ અન્ય ટ્રસ્ટીઓએ મળીને કરેલ છે. અમો ખેડા જિલ્લા માં રહેતા સમસ્ત મુસ્લિમ સમાજ માટે પીરાણાની ઈમામશાહબાવાની દરગાહ ૬૦૦ વર્ષોથી મુસ્લીમ ધાર્મિક સ્થળ તરીકે અમારૂ શ્રધ્ધાનુ કેન્દ્ર છે.

ઈમામશાહબાવા એ હઝરત નુરશાહબાવાના પરદાદા છે. નુરશાહબાવા ના પિતા મુસ્તુફાબાવા તેમના પિતા નરઅલી મોહંમદશાહબાવા અને તેમના પિતા ઈમામશાહબાવા છે. એમ નુરશાહબાવા એ ઈમામશાહબાવા ના પ્રપૌત્ર છે. નુરશાહબાવા ની દરગાહ પણ પીરાણા મુકામે ઈમામશાહબાવા ની દરગાહની બાજુમાં જ આવેલી છે.

પરંતુ પાછલા બે અઢી વર્ષ પહેલા ઈમામશાહબાવા રોજા સંસ્થા ના ટ્રસ્ટી હર્ષદ પટેલ તેમજ અન્ય કેટલાક ટ્રસ્ટીઓએ મળી ને ઈમામશાહબાવાની દરગાહને દિવાલ બનાવીને નુરશાહબાવાની દરગાહ- ઈમામશાહી મસ્જીદ તથા તાજીયાનો ઈમામવાડો એક તરફ અલગ કરી દીધા છે. જે બાબતે પણ અગાઉ ત્યાં વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.

હાલમાં ત્યાંના ટ્રસ્ટીઓ ઈમામશાહબાવા રોજા સંસ્થામાં જે કબરો તોડીને સમાધી બનાવવાનું દુષ્કૃત્ય ત્યાંના કચ્છી પટેલ સમાજના ટ્રસ્ટી હર્ષદ પટેલ તેમજ અન્ય લોકો દ્વારા કરવામાં આવતા સમગ્ર મુસ્લીમ સમુદાયના લોકો અને ઈમામશાહબાવા રોજા (દરગાહ) માં આસ્થા રાખનાર હજારો સતપંથી સમાજના લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે. તે બાબતે આપશ્રી ને અમારી નમ્ર અરજ છે કે આ કાર્ય કરનાર સર્વે સામે કાયદેસરના પગલા ભરવામાં આવે અને ઈમામશાહબાવા તેમજ અન્ય સુફી સંતોની કબરોને તેના મુળ સ્વરૂપમાં વહેલી તકે પાછી સ્થાપીત કરવામાં આવે.એવી માગ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.