ભારત પર નજર રાખવા નેપાળે લિપુલેખ ખાતે બટાલિયન મૂકી
નવી દિલ્હી, ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલ તણાવ વચ્ચે નેપાળે બળતામાં ઘી હોમવા માંડ્યું છે.ભારત અને નેપાળ વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરાને લઈને વિવાદ ચાલી રહ્યો છે ત્યારે નેપાળે હવે આ સરહદે પોતાની સેના તૈનાત કરી છે. લિપુલેખ એવું ક્ષેત્ર છે, જ્યાં ભારત, નેપાળ અને ચીનની સરહદ મળે છે. હવે નેપાળે આ વિસ્તારમાં સેનાની પુરી બટાલિયન તૈનાત કરી દીધી છે. આ બટાલિયનને કહેવામાં આવ્યું છે કે તેઓ ભારતીય સૈન્યની પ્રવૃત્તિઓ પર નજર રાખે.
ગત સપ્તાહે કેપી શર્મા ઓલી સરકારના ગૃહ મંત્રાલયે સેનાને આદેશ આપ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવને જોતાં લિપુલેખ સરહદ પર નજર રાખવી ખુબ જ જરૂરી છે. આ બાબતને જોતા નેપાળ આર્મડ પોલીસ ફોર્સની ૪૪મી બટાલિયનને તૈનાત કરવામાં આવી છે.
ફક્ત નેપાળ જ કેમ, અહીંયા ચીનની ૧૫૦ લાઈટ કમ્બાઇન્ડ આર્મસ બ્રિગેડ પણ તૈનાત છે. ગત મહિને અહીંયા તેને તૈનાત કરાઈ છે. અહિયાથી લગભગ ૧૦ કિલોમીટર દૂર પાલા ક્ષેત્ર છે. અહીંયા પણ ચીનની સેનાના સૈનિકો તૈનાત છે. ભારતે લિપુલેખમાં ૧૭ હજાર ફૂટ ઉપર રસ્તો બનાવ્યો છે. આ રસ્તાના કન્ટ્રક્શન સમયે નેપાળે કોઈ જ આપત્તિ દર્શાવી ન હતી, પરંતુ બાદમાં ભારત અને નેપાળ વચ્ચે આ મુદ્દાને લઈને નિવેદનબાજી વચ્ચે તણાવ શરુ થયો હતો.
નેપાળે લિપુલેખ પર ફક્ત પોતાનો દાવો જ નથી કર્યો પણ એક નવો નકશો પણ જાહેર કરી દીધો છે. નકશામાં લિપુલેખને પણ સામેલ કર્યું છે. ભારતે આ બાબતે નેપાળ સામે વિરોધ વ્યક્ત કર્યો છે. ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં ચાલી રહેલા તણાવ વચ્ચે નેપાળ પણ કઈંક વધુ જ સક્રિય થવાના પ્રયત્ન કરી રહ્યું છે.SSS