ભાવનગરમાં ચાર વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારનારને ૨૦ વર્ષની કેદ
પીડિતાને પરિવારને ત્રણ લાખનું વળતર ચૂકવવા હુકમ
આરોપી રૂકેશ ઉર્ફે પ્રેમ વજાભાઈ નામના શખ્સે સીક્કો આપવાનું કહીને બાળકીને ઘરમાં બોલાવી હતી
ભાવનગર, ભાવનગરમાં બે વર્ષ પહેલાં ચાર વર્ષ અને ૧૦ માસની બાળકી પર બળાત્કાર ગુજારનારા આરોપીને કોર્ટે ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ સાથે પીડિતાને પરિવારને ત્રણ લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે. આ કેસની વિગતો એવી છે કે, ભાવનગરમાં ગત ૨૨મી નવેમ્બર ૨૦૨૨ના રોજ બાળા રમતી હતી ત્યારે આરોપી રૂકેશ ઉર્ફે પ્રેમ વજાભાઈ ઉર્ફે વજેસંગભાઈ ગાભય (ઉ.૨૬, બાકરોલ, જિ.આણંદ) નામના શખ્સે સીક્કો આપવાનું કહી ઘરમાં બોલાવી હતી. એ પછી સીક્કો આપી દરવાજો બંધ કરી સગીરાની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.
જે તે સમયે બોરતળાવ પોલીસ મથકમાં આરોપી રૂકેશભાઈ વજાભાઈ ગાભય સામે ઈપીકો કલમ ૩૭૬(એબી) તેમજ પોકસો એક્ટ કલમ-૪ અને ૬ મુજબનો ગુનો નોંધાયો હતો. આ અંગેનો કેસ ૩જા એડી.સેશન્સ જજ પ્રજાપતિની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ જયેશ પંડયાની દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ વિગેરે ધ્યાને રાખી આરોપી રૂકેશ ગાભય સામે ગુનો સાબીત માની આરોપીને કસુરવાન ઠરાવી પોક્સો એક્ટ કલમ-૪ ના ગુનામાં ક્રિ.પ્રો.કોડની કલમ-૨૩૫(૨) અન્વયે ૧૦ વર્ષની સખ્ત કેદની સજા કરવા અને રૂ. ૫૦૦ નો દંડ અને જો દંડ ની રકમ ન ભરે તો વધુ ૧ માસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવ્યો છે.
પોક્સો એક્ટ કલમ-૬ ના ગુન્હામાં ક્રિ.પ્રો.કોડની કલમ-૨૩૫(૨) અન્વયે ૨૦ વર્ષની સખ્ત કેદની સજા કરવા અને રૂ. ૫૦૦ નો દંડ અને જો દંડ ની રકમ ન ભરે તો વધુ ૧ માસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવેલ છે. આ હુકમ મુજબ દંડની રકમમાંથી સી.આર.પી.સી. કલમ ૩૫૭ હેઠળ વળતર ચુકવવાનો હુકમ કરવો જરૂરી પરંતુ આરોપીની આર્થિક પરિસ્થિતી જોતા આરોપી પાસેથી દંડ વસુલી તેમાંથી ભોગ બનનારને વળતર ચુકવવાનો હુકમ કરવો યોગ્ય જણાતો નથી.SS1