મંત્રીમંડળની રચના ટલ્લે ચઢી, શપથવિધિના પોસ્ટર્સ પહેલા લગાવ્યા પછી હટાવ્યા

ગાંધીનગર, આજે વહેલી સવારથી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રી મંડળની શપથવિધિની અનેક અટકળો ચાલી રહી હતી. ભાજપના પક્ષ પ્રમુખ પાટીલના બંગલે ઘારાસભ્યોની અવરજવર પણ વધી હતી. તે ઉપરાંત ગાંધીનગરમાં બેઠકોનો દોર શરૂ થયો હતો. જેમાં મંત્રીઓના નામની ચર્ચાઓ ચાલી રહી હતી. જેમાં આંતરિક વિખવાદ થતાં નવા મંત્રીમંડળની રચના ટલ્લે ચઢી હતી. એક બાજુ રાજભવન ખાતે શપથવિધિના પોસ્ટર લગાવી દેવામાં આવ્યાં હતાં. બાદમાં આ પોસ્ટર્સને હટાવી દેવાયા હતાં.
આજે સાંજે ૪.૨૦ વાગ્યે નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાવાની હતી. પરંતુ હવે તે કાલે બપોરે ૧.૩૦ કલાકે યોજાશે. ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદના શપથ લીધા એ ગુજરાતની જનતા માટે સરપ્રાઈઝ નામ હતું. હવે મંત્રીમંડળની રચના માટે અનેક જુના લોકોને પડતા મુકીને નવા ને સ્થાન આપવાની વાત વહેતી થઈ છે. પરંતુ જાણવા મળ્યા મુજબ ભૂપેન્દ્રભાઈનું મંત્રીમંડળ પણ એક ટોટલ સરપ્રાઈઝ પેકેજ હોય તો નવાઈ નહીં.
ભાજપના આંતરિક સુત્રોમાંથી મળતી માહિતી મુજબ વિજય રૂપાણીના મંત્રીમંડળમાંથી ૯૦ ટકા લોકોને ડ્રોપ કરી દેવાય તેવી શક્યતા છે. એટલું જ નહીં, જુના ચહેરાઓ સામે એન્ટી ઈન્કમ્બન્સી ઉભી ના થાય તે માટે અગાઉના મંત્રીમંડળમાંથી પણ ધારાસભ્યોને મંત્રી ના બનાવવા એવી પણ કવાયત ચાલી રહી છે. આજે બપોરે ૪.૨૦ વાગ્યે શપથવિધિ યોજાશે. રાજ્ય સરકારના મંત્રીઓ બચુ ખાબડ વિભાવરીબેન દવે, કુમાર કાનાણી, રમણ પાટકર સહિતના પ્રધાનોને મંત્રી નિવાસ સ્થાન ખાલી કરવા સૂચના અપાઈ.
બીજી બાજુ સત્તા સંભાળ્યાના ગણતરીના કલાકોમાં ભૂપેન્દ્રભાઈ સૌરાષ્ટ્રમાં પુરની પરિસ્થિતિનું આંકલન કરવા માટે ગાંધીનગરથી નીકળી ગયા હતાં. એમની ગેરહાજરીમાં કમલમ-સી.આર.ના બંગલે ૨૪ કલાકથી મંત્રીઓના નામની યાદીમાં ફેરફારો થઈ રહ્યાં છે.
ગુજરાત ભાજપમાં બે મોટા જૂથ આનંદીબેન- અમિત શાહ જૂથના ધારાસભ્યોને મંત્રી બનાવવા માટેની ખેંચતાણ ચાલી રહી છે. ગુજરાત ભાજપના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા પ્રમાણે અંદરખાને મોટી તડાફડી છે. એટલે મંત્રીમંડળની રચના જેમ બને એમ વહેલી થાય તો સારુ અને એ દિશામાં જ કામગીરી ચાલી રહી છે.
ભાજપના એક દિગ્ગજ નેતાએ જણાવ્યું હતું કે ભૂપેન્દ્ર પટેલ નવા મુખ્યમંત્રી હોવાથી તેમની ટીમ પણ નવા જ સભ્યોની રહેશે. અગાઉ કહેવાયું હતું કે આ મંત્રીમંડળમાં અમુક સિનિયર મંત્રીઓ રહેશે, પરંતુ એમ નથી થવા જઈ રહ્યું. તમામ મંત્રીઓ નવા જ રહેશે. અલબત્ત, ધારાસભ્ય તરીકે સિનિયર હોય તેવા મંત્રીઓ આ મંત્રીમંડળમાં ચોક્કસ રહેશે. જ્ઞાતિ અને પ્રદેશવાર સમીકરણનો એમાં ચોક્કસ ખ્યાલ રખાયો છે. આ મંત્રીમંડળમાં ૨૨ કે ૨૫ સભ્યોહોવાને બદલે ૨૭ સભ્યનું પૂર્ણ કદનું મંત્રીમંડળ બને એવી શક્યતા છે.
રૂપાણી સરકારના ૨૨ મંત્રીના કદને ઘટાડી ૧૬ મંત્રી શપથ લે એવી શક્યતાઓ છે, જેમાં રૂપાણી સરકારના ૧૧ કેબિનેટ મંત્રીમાંથી માત્ર દિલીપ ઠાકોર, ગણપત વસાવા, જયેશ રાદડિયાને રિપીટ કરવામાં આવે એવી શક્યતા છે. રાજ્યકક્ષાના રૂપાણી સરકારના ૧૧માંથી ૭ની બાદબાકી કરીને માત્ર ૪ મંત્રીને સ્થાન આપવામાં આવી શકે છે.નવા મંત્રીમંડળમાં પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને કેબિનેટ કક્ષાના મંત્રીનો દરજ્જાે આપવામાં આવી શકે છે, પરંતુ ગૃહ ખાતાને બદલે પ્રદીપસિંહને અન્ય ખાતાની ફાળવણી કરવામાં આવશે.
અમદાવાદના અમરાઈવાડીના ધારાસભ્ય જગદીશ પટેલને પ્રદીપસિંહ જાડેજાને બદલે રાજ્યકક્ષાના ગૃહમંત્રી બનાવવામાં આવે એવી શક્યતાઓ છે, જ્યારે રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલને ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને બદલે શિક્ષણખાતું આપવામાં આવી શકે છે. ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં બે મહિલાને પણ સ્થાન આપવામાં આવી શકે છે. નવા મંત્રીઓમાં સૌથી વધુ ૬૦ વર્ષથી નીચેની ઉંમરના ધારાસભ્યોને મંત્રીપદ આપવામાં આવે એવી શક્યતાઓ છે.
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, ભૂપેન્દ્ર પટેલનું આ મંત્રીમંડળ ઘણા નવા ચહેરા અને પ્રયોગોવાળું હશે. હાલ જ્યાં મંત્રીમંડળમાં એક જ મહિલા ધારાસભ્ય છે, એને સ્થાને બેથી ત્રણ મહિલા મંત્રી એમાં હોઈ શકે છે. ભાજપની સરકાર સામે એન્ટી-ઇન્કમ્બન્સી ફેક્ટર છે, એને ખાળવા માટે જ ખૂબ જરૂરી એવા સભ્યોને બાદ કરતાં મોટા ભાગના ચહેરા નવા અને અમુક તો પહેલી ટર્મમાં જ મંત્રી બની જાય એવા હશે. આ ઉપરાંત સ્વાભાવિકપણે જ જ્ઞાતિ અને પ્રદેશનું સંતુલન જળવાશે.HS