મહારાષ્ટ્ર સીઆઇડીની વેબસાઇટ હેક: મોદી સરકારને આપી મોટી ચેતવણી

મુંબઇ, મહારાષ્ટ્ર પોલીસનાં ક્રાઇમ બ્રાંન્ચ ડિપાર્ટમેન્ટ (સીઆઈડી) ની વેબસાઇટ હેક થઈ હતી. જેમાં ‘ભારતીય પોલીસ અને મોદી સરકાર’ વિરુદ્ધ ચેતવણી આપવામાં આવી હતી. આ ચેતવણીમાં મુસ્લિમોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાની વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજ્યનાં સીઆઈડી ચીફ અતુલચંદ્ર કુલકર્ણીએ દાવો કર્યો હતો કે આ હેકિંગ નથી, પણ વેબસાઇટની સુરક્ષા સુવિધાઓ તપાસવા કરવામા આવેલ ‘ટેસ્ટ’ હતું.
અધિક પોલીસ મહાનિર્દેશક કુલકર્ણીએ જણાવ્યું હતું કે, “અમારો ડેટા સલામત છે અને વેબસાઇટ પર ઉપલબ્ધ ડેટા સાથે કોઈ સમાધાન કરવાનો પ્રશ્ન નથી.” મીડિયા રિપોટ્ર્સ અનુસાર, હેક કરેલા વેબપેજ પર ‘ગવર્નમેન્ટ ઓફ ઇમામ મહેદી’ બોલ્ડ ફોન્ટમાં લખાયેલુ હતુ. આ સાથે, તેના હાથમાં ધ્વજ લઇને અને ઘોડા પર સવાર એક માણસની તસવીર હતી. આ સાથે સરકાર અને પોલીસને ચેતવણીનો સંદેશ મળ્યો. વેબપૃષ્ઠ પર જોવા મળતા સંદેશમાં લખાયુ હતુ, “અમે ભારતીય પોલીસ અને મોદી સરકારને ચેતવણી આપીએ છીએ, મુસ્લિમોને પરેશાન કરવાનું બંધ કરો… ઇમામ મહેદી ટૂંક સમયમાં આવી રહ્યા છે.” આપને જણાવી દઈએ કે આ સંદેશ તાજેતરમાં દિલ્હીની હિંસા સાથે સંબંધિત હોવાનું માનવામાં આવી રહ્યુ છે.
હિંસાને લઇને દાવો કરવામાં આવ્યો છે કે તેનો ભોગ બનેલા મોટાભાગનાં મુસ્લિમો છે. દિલ્હીની હિંસામાં ૫૩ લોકોનાં મોત નીપજ્યાં છે અને ૨૦૦ થી વધુ લોકો ઘાયલ થયા છે જેઓ હાલમાં સારવાર લઈ રહ્યા છે. રાજધાનીનાં ઉત્તર પૂર્વી વિસ્તારો ચાંદબાગ, જાફરાબાદ, બ્રિજપુરી, ગોકલપુરી, મુસ્તફાબાદ, શિવ વિહાર, યમુના વિહાર, ભજનપુરા અને ખજુરી ખાસમાં હિંસા થઈ હતી. જેમાં તોફાનીઓએ લોકોનાં મકાનો, વાહનો અને દુકાનોને આગ ચાંપી દીધી હતી.