મહા વાવાઝોડાનું સંકટ : NDRFની ટીમો તૈનાત
અમદાવાદ: અરબી સમુદ્રમાં સર્જાયેલા મહા વાવાઝોડાની તીવ્રતા સામાન્ય ઘટાય બાદ તે ગુજરાત તરફ ફંટાયુ છે અને આગળ વધી રહ્યું છે. મહાની અસરથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો, સોમનાથ, દ્વારકા, પોરબંદર, દીવ અને જામનગર સહિતના દરિયાકાંઠે દરિયો તોફાની બનવાની શક્યતા છે.
હાલ આ વાવાઝોડું પોરબંદરથી ૬૬૦ કિમી, વેરાવળથી ૭૨૦ અને દીવથી ૭૭૦ કિમી દૂર છે. હવામાન વિભાગના ડાયરેક્ટર જંયત સરકારે જણાવ્યું હતું કે, તા.૭ નવેમ્બર સવારે વાવાઝોડું દીવ અને પોરબંદરની વચ્ચે ત્રાટકશે, પરંતુ આ દરમ્યાન વાવાઝોડાની ઝડપ ઘટીને ૭૦થી ૮૦ કિમી સુધી થઈ જશે. વાવાઝોડાના કારણે તા.૭ નવેમ્બરે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અમદાવાદમાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. તો, તા.૮ નવેમ્બરથી હવામાન સામાન્ય થઈ જશે એમ તેમણે સ્પષ્ટ કર્યું હતું. બીજીબાજુ, મહા વાવાઝોડાની આગાહીને લઇ રાજય સરકાર અને તંત્ર એકદમ હાઇએલર્ટ પર છે અને એનડીઆરએફની ૩૫થી વધુ ટીમો તેમ જ ૧૦ હેલિકોપ્ટર દરિયાકાંઠાના વિસ્તારોમાં એકદમ તૈયાર રખાયા છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું હતું કે, મહા વાવાઝોડાની અસરના ભાગરૂપે આવતીકાલે સૌરાષ્ટ્રના અનેક વિસ્તોરમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. જેમ જેમ વાવાઝોડું આગળ વધશે તેમ સૌરાષ્ટ્રમાં વરસાદ ઓછો થતો રહેશે. આવતીકાલે તા. ૬ નવેમ્બરે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સૌરાષ્ટ્ર, ભરૂચ, આણંદ, અમદાવાદ, બોટાદ, રાજકોટમાં તેમજ તા.૭ નવેમ્બરે ભાવનગર, સૌરાષ્ટ્ર, ભરૂચ, આણંદ, અમદાવાદ, બોટાદ, વડોદરામાં ભારેથી અતિભારે વરસાદ પડશે.
મહા વાવાઝોડાના પગલે તંત્ર સજ્જ બની ગયું છે. સાથે સાથે એનડીઆરએફની ૩૫થી વધુ ટીમ અને ૧૦ હેલિકોપ્ટર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં કોઇપણ પરિÂસ્થતિને પહોંચી વળવા તૈનાત કરવામાં આવ્યા છે.
તમામ પોર્ટ હાલ યલો એલર્ટ પર છે. આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો નહી ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. જો કે મહા વાવાઝોડું ૨૨૦ કિમી પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. જ્યારે દીવ જિલ્લા પ્રશાસને વાવાઝોડાના પગલે પ્રવાસીઓને દીવ છોડી દેવા અપીલ કરી છે. આવતીકાલે સૌરાષ્ટ્ર ગુજરાતમાં ભારે વરસાદ થશે.
મહા વાવાઝોડું પોરબંદરથી ૬૬૦ કિમી દૂર છે. ૭મી નવેમ્બરે વાવાઝોડું ૮૦થી ૯૦ કિમી પ્રતિ કલાકની ઝડપથી દીવ-પોરબંદર વચ્ચે ગુજરાતમાં ટકરાશે. મહા વાવાઝોડું ગુજરાતના તટ તરફ આજે બપોરે રિકર્વ થઈને ગુજરાત આવી રહ્યું છે.
હાલ તેની તીવ્રતા સામાન્ય ઓછી થઈ છે. જ્યારે તા.૮ નવેમ્બરે વાવાઝોડું વધુ નબળું પડશે. ગુજરાતમાં બહુ મોટાપાયે નુકસાનીની સંભાવના નથી તેમછતાં સરકાર અને તંત્ર ભારે વરસાદની આગાહી વચ્ચે એકદમ એલર્ટ અને તમામ પ્રકારની આગોતરી તૈયારીઓ રાખીને સજ્જ છે. રાજયના તમામ કલેક્ટરને એલર્ટ રહેવા તાકીદ કરવામાં આવી છે. તો, અધિકારીઓ, ફાયરબ્રિગેડ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના કર્મચારીઓની રજાઓ હાલ પૂરતી રદ કરી દેવામાં આવી છે અને તમામને મહા વાવાઝોડાની અસરના ભાગરૂપે સર્જાનારી કોઇપણ પરિÂસ્થતિને પહોંચી વળવામાં જાતરી દેવાયા છે.
વાવાઝોડા મહાના કારણે આજે કચ્છમાં આજે સતત બીજા દિવસે ધોધમાર અને વીજળીની કડાકા ને ભડાકા વચ્ચે તોફાની વરસાદ વરસ્યો હતો. કચ્છ જિલ્લાના સરહદી વિસ્તાર દયાપર, લખતર સહિતના પંથકોમાં બપોરબાદ વીજળીના કડાકા ભડાકા સાથે બે ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જેને પગલે ગામનું તળાવ ઓવરફલો થયું હતું અને દયાપર પાસેની પાપડીમાં વાવનું પાણી આવ્યું હતું. લખપત તાલુકાના દોલતપર, વિરાણી, ઘડુલી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદથી અષાઢી માહોલ સર્જાયો હતો.