મહિલા દિનની ઉજવણીના આયોજન માટે ભરૂચ કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
ભરૂચ: રાજ્યમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી ૮ મી માર્ચના રોજ કરવામાં આવનાર છે.જેના ભાગરૂપે ભરૂચ જિલ્લાકક્ષાએ પણ આ કાર્યક્રમ યોજાનાર છે તેના આયોજન માટે કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર ડૉ.એમ.ડી.મોડિયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.
આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીના કાર્યક્રમમાં ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર,માતા યશોદા એવોર્ડ અને ગંગા સ્વરૂપા આર્થિક સહાય તેવી ત્રણ થીમ સાથે યોજાનાર છે.મહિલા દિનની ઉજવણીમાં મહિલા સંમેલન,વહાલી દિકરી યોજના,જિલ્લા કક્ષાએ રમત-ગમત, સ્વસુરક્ષા કે વિશિષ્ટ સિધ્ધિ પ્રાપ્ત કરનાર મહિલાઓનું પ્રમાણપત્ર અને શાલ ધ્વારા સન્માન તેમજ મહિલા સુરક્ષાને લગતા કાયદા વિગેરે જેવી બાબતો અંગે યોજાનાર કાર્યક્રમ અંગે જિલ્લા સમાહર્તાએ ચર્ચા-પરામર્શ કરી સંબધિત વિભાગના અધિકારીશ્રીને સુચના આપી હતી.
આ બેઠકમાં કલેક્ટરે કાર્યક્રમ માટે સ્ટેજ,સાંસ્કૃત્તિક કાર્યક્રમ,બેઠક વ્યવસ્થા,વાહન વ્યવહાર વ્યવસ્થા, પાણી,વિજળી વિગેરે જેવી સુવિધા અંગે પણ ચર્ચાવિચારણા કરી હતી.
જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયન,નિવાસી અધિક કલેક્ટર જે.ડી.પટેલ,પ્રોગ્રામ ઓફિસર કોમલબેન,નાયબ જિલ્લા પોલીસ વડા,નાયબ કલેક્ટર,ઉચ્ચ અધિકારીગણ વિગેરે આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ૮ મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિનના પખવાડિયાની ઉજવણીનો પણ પ્રારંભ કરવામાં આવનાર છે.જેમાં આ દિવસો દરમિયાન મહિલાઓને લગતા જુદા જુદા કાર્યક્રમો યોજાનાર છે તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની મહિલાઓને લગતી વિવિધ યોજનાઓની જાણકારી તેમજ કાયદાઓની સમજ આપવામાં આવશે.