Western Times News

Gujarati News

મહીસાગરમાં ૮મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ-૨૦૨૦ની ઉજવણી અંગે બેઠક યોજાઈ

લુણાવાડા: સયુંકત રાષ્ટ્રસંઘ, (યુનો) દ્વારા સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહીલા દિન દર વર્ષે ૮મી માર્ચના દિવસે મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે નારીના ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાનો છે. સામાજિક ઉત્થાનમાં મહિલાઓની ભૂમિકાની અગત્યતાને ધ્યાનમાં લઈ તેમનામાં શિક્ષણનો વ્યાપ વધે તેમજ તેઓ કુરિવાજો તથા રૂઢિઓમાંથી બહાર આવે તે માટેનું આયોજન કરવામાં આવે છે.

મહીસાગર જિલ્લામાં ૮મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી શ્રી પી.એન.પંડ્યા કોલેજ ગ્રાઉન્ડ, લુણાવાડા ખાતે યોજાનાર છે તે અંતર્ગત મહીસાગર જિલ્લા વિકાસ અધિકારીશ્રી નેહા કુમારીની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત કચેરી સભાખંડ ખાતે આયોજન અંગે બેઠક યોજાઇ હતી.

આ બેઠકને સંબોધતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી નેહા કુમારીએ જણાવ્યું હતું કે, ૮મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહીલા દિન-૨૦૨૦ની ઉજવણી સંદર્ભે આ સંમેલનમાં જિલ્લા અને બ્લોક કક્ષાના માતા યશોદા એવોર્ડ વિતરણ, વ્હાલી દીકરી યોજનાના લાભાર્થીઓને મંજુરી પત્ર વિતરણ, જિલ્લા કક્ષાએ રમત-ગમત સ્વ સુરક્ષા કે વિશિષ્ઠ સિધ્ધિઓ પ્રાપ્ત કરનાર મહિલાઓનું પ્રમાણપત્ર અને સાલ દ્વારા સન્માન, મહિલા સુરક્ષાને લગતા કાયદાકીય જોગવાઇઓ બાબતે જન જાગૃતિ, મહિલા સંમેલન ઉપરાંત જૂદી જૂદી યોજના હેઠળ કિટ વિતરણ જેવા મુદ્દાઓ પર ગહન ચર્ચા વિચારણા કરી જરૂરી સલાહ સુચનો કરી માર્ગદર્શન આપ્યુ હતું. આ કાર્યક્રમને સુપેરે પાર પાડવા  ઉપસ્થિત અમલીકરણ અધીકારીશ્રીઓને આ અંગે આયોજન ઘડી કાઢી કાર્યક્રમને સફળ બનાવવા હાકલ કરી હતી.

બેઠકમાં ડી.આર.ડી.એ ડાયરેક્ટરશ્રી જે.કે.જાદવ, નાયબ જિલ્લા વીકાસ અધિકારીશ્રી ભાભોર, જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી શાહ સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.