મહેશ માંજરેકર પાસેથી ૩૫ કરોડ માગનાર ઝબ્બે
મુંબઈ: બોલિવૂડના જાણીતા એક્ટર-ડિરેક્ટર મહેશ માંજરેકરને ધમકી ભર્યા મેસેજ મોકલી ૩૫ કરોડ રૂપિયાની માગણી કરનારા એક શખસને પોલીસ અરેસ્ટ કરી લીધો છે. આ શખસે પોતાને અન્ડરવર્લ્ડ ડૉન અબૂ સાલેમની ગેંગનો માણસ હોવાનું કહી મહેશ માંજરેકર પાસે ૩૫ કરોડ રૂપિયાની માગણી કરી હતી.
મુંબઈ પોલીસના એન્ટી એક્સટૉર્સન સેલની ટીમે રત્નાગિરી ખેડ પાસેથી આ શખસની ગુરુવારે ધરપકડ કરી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ શખસ મુંબઈની નજીક આવેલા દિવા વિસ્તારનો રહેવાસી છે. તેણે યૂટ્યૂબ પર અબૂ સાલેમના ઘણા વિડીયો જોયા અને પછી તેના ખંડણી કરવાના અંદાજને સારી રીતે સમજી લીધા બાદ મહેશ માંજરેકર પાસે ૩૫ કરોડ રૂપિયાની ડિમાન્ડ કરી હતી. આરોપીએ ૨૩ ઑગસ્ટથી ૨૫ ઑગસ્ટની વચ્ચે મહેશ માંજરેકરને ઘણીવાર ફોન તથા એસએમએસ દ્વારા ધમકી આપી હતી. ત્યારબાદ એક્ટરે આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધી હતી. આખરે ગુરુવારે એન્ટી એક્સોર્ટનશન સેલે રત્નાગિરીના ખેડ વિસ્તારમાં તેને અરેસ્ટ કરી લીધો હતા.
ઉલ્લેખનીય છે કે, મહેશ માંજરેકરે કાંટે, દબંગ, રેડી, વૉન્ટેડ ઉપરાંત ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે. આ ઉપરાંત તેમણે વાસ્તવ, નટસમ્રાટ, અસ્તિત્વ જેવી સુપરહિટ ફિલ્મો સાથે બીજી ઘણી ફિલ્મોનું ડિરેક્શન કર્યું છે. તાજેતરમાં તેમની પુત્રી સાઈ માંજરેકરે સલમાનની ‘દબંગ ૩’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે.