મહેસાણામાં દૂધ ભરાવા જઈ રહેલા પિતા પુત્રનું માર્ગ અકસ્માતમાં મોત

મહેસાણા: મહેસાણા જિલ્લાના વિજાપુરના સંઘપુર ગામમાં ઘરેથી દૂધ ભરાવા જઈ રહેલા પિતા પુત્રનું માર્ગ અકસ્માતમાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પિતા પુત્રના એક સાથે મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ છે.
મહેસાણાના વિજાપુર તાલુકામાં આવેલ સંઘપુર ગામમાં પિતા અને ત્રણ વર્ષનો પુત્ર રોજિંદા સમયે મુજબ બાઇક પર દૂધ લઈને વિજાપુરથી સંઘપુર ગામે ભરાવા જઈ રહ્યા હતા. એ દરમિયાન જેસીબીની ટક્કર વાગતા બાઈક અને જેસીબી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં પિતા પુત્રનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પરિવારને જાણ કરી હતી. ત્યારબાદ પિતા-પુત્રના મૃતદેહને પી.એમ.અર્થે વિજાપુર હોસ્પિટસમાં ખસેડાયા હતા.
મહેસાણા જિલ્લામાં સતત બે દિવસથી કાળજું કંપાવીદે તેવી અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. જિલ્લામાં ગઈ કાલે બે જગ્યા પર માર્ગ અકસ્માતમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા હતો, જેમાં ગઈકાલે એક જ ગામના ત્રણ યુવાનોના માર્ગ અકસ્માતમાં મોત થતા આખું ગામ હિબકે ચડયું હતું, જ્યારે આજે વિજાપુરમાં માર્ગ અકસ્માતની ઘટનામાં પિતા-પુત્રના મોતથી અરેરાટી ફેલાઈ ગઈ છે.