Western Times News

Gujarati News

મારૂ ગામ કોરોના મુક્ત ગામ” અભિયાનનું સફળ પરિણામ

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ચેખલાના કોવીડ કેર સેન્ટરમાંથી ૧૭ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી- પિતા-પુત્રની બેલડીએ કોરોનાને મ્હાત આપી

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ “મારુ ગામ કોરોનામુક્ત ગામ” અભિયાન હેઠળ લીધી હતી આ ગામની મુલાકાત

ગુજરાતના ગામડાઓમાં કોરોનાને નિયંત્રિત કરવા માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં શરુ થયેલા “મારું ગામ, કોરોનામુક્ત ગામ” ના પરિણામો હવે દ્રષ્ટીગોચર થઈ રહ્યા છે. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ચેખલા ગામના કોવીડ કેર સેન્ટરમાંથી ૧૭  દર્દીઓએ કોરોનાને મહાત આપી ઘરે પરત ફર્યા છે.

ચેખલા ગામના બાવુભા વાઘેલાને કોરોનાના સામાન્ય લક્ષણો જણાતા તે ગામમાં જ શરુ થયેલા કોવીડ કેર સેન્ટરમાં દાખલ થયા હતા. આ સેન્ટરમાં ૧૦ દિવસ પ્રાથમિક સારવારના અંતે તેમને કોરોનાને મહાત આપી છે.આમ,  બાવુભા વાઘેલાને કોરોનાની સારવાર ઘરઆંગણે જ મળી રહી.

બાવુભાની જેમ જ ૫૩ વર્ષના જેનુભા વાઘેલા પણ કોરોનાગ્રસ્ત બન્યા હતા. જેનુભા સાથે તેમનો ૨૬ વર્ષનો દીકરો રાજુભા પણ કોરોના સંક્રમણનો ભોગ બન્યો હતો. પણ પિતા-પુત્રએ ગામના આઈસોલેશન સેન્ટરમાં સારવાર લીધી અને માત્ર સાત જ દિવસમાં કોરોનામુક્ત બન્યા છે.

ચેખલા ગામના કોવિડ કેર સેન્ટરમાંથી સારવાર છ દિવસની સારવાર બાદ ઘરે પરત થયેલ રાજુભાઇ વાધેલા કહે છે : “મને અને પિતાશ્રીને કોરોનાના સામાન્ય લક્ષણોનો અનુભવ થઇ રહ્યો હતો. એક ઘડીએ તો કોરોનામાં ક્યાં દાખલ થઇશું તેવો પ્રશ્ન મનમા ઉદભવ્યો..પછી યાદ આવ્યું કે માનનીય મુખ્યમંત્રી શ્રી થોડાક દિવસો પહેલા જ આવીને ગામમાં કોરોના કોવિડ સેન્ટર કાર્યરત કરાવ્યું હતુ. મુખ્યમંત્રીશ્રી ‘મારૂ ગામ કોરોના મુક્ત ગામ’ અંતર્ગત ગ્રામજનો સાથે વાત પણ કરી રહ્યા હતા તે અમે સાંભળી હતી.જેથી અમે પણ વિના વિલંબે ચેખલા ગામના કોવિડ કેર સેન્ટરમાં જ સારવાર માટે દાખલ થઇ ગયા.”

કોવિડ કેર સેન્ટરમાં મળેલ સારવાર નો અનુભવ વર્ણવતા રાજુભાઇ કહે છે કે, અમેં હોસ્પિટલમાં સામન્ય લક્ષણો સાથે દાખલ થયા ત્યારે થોડા ચિંતીત હતા. પરંતુ કોવિડ કેર સેન્ટરના સ્ટાફના હકારાત્મક વલણના કારણે અમારા પિતા-પુત્ર સહિત તમામ દર્દીઓમાં નવ ઉર્જાનો સંચાર થતો.અહીં કોવિડ કેર સેન્ટરમાં નિયમિત સમયાંતરે આરોગ્ય ચકાસણી થતી રહેતી. જમવાનું સમયસર મળી રહેતું. આ તમામ સેવાભાવના કારણે જ અમે ખૂબ જ ટૂંકા ગાળામાં સાજા થઇને ઘરે પરત થઇ શક્યા છીએ.”

સાણંદ તાલુકા હેલ્થ અધિકારી ડૉ. સંધ્યાબેન કહે છે કે ચેખલા ગામ સ્થિત કોવિડ કેર સેન્ટરમાં 2 સ્ટાફ નર્સ અને 2 તબીબો રાઉન્ડ ધ ક્લોક કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં તહેનાત રહે છે. આ સેન્ટરમાં દિવસ દરમિયાન એક સીનીયર ફિઝિશીયન પણ દર્દીઓની મુલાકાત લઇ સારસંભાળ કરે છે.

ગામ દ્વારા બનાવેલી ગ્રામયોધ્ધા કમિટી દ્વારા કોવિડ કેર સેન્ટરમાં સારવાર મેળવી રહેલા તમામ દર્દીઓના જમવાની વ્યવસ્થા કરવામાં આવતી હોવાનું તબીબે ઉમેર્યુ હતુ.

આમ, મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં શરુ થયેલા  “મારુ ગામ કોરોનામુક્ત ગામ”ના પગલે ચેખલા ગામમાં કાર્યરત થયેલા કોવીડ કેર સેન્ટરથી ગ્રામજનોને ઘરઆંગણે જ આરોગ્ય વિષયક પ્રાથમિક સુવિધાઓ મળી રહી અને તેઓ કોરોનામુક્ત બન્યા.

ઉલ્લેખનીય છે કે, ચેખલા ગામની મુલાકાત સમયે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતના ગામડાઓને કોરોનામુક્ત બનાવવા માટે દરેક સરપંચને હાકલ કરી હતી. ચેખલા ગામે કોરોના સામેના જંગમાં ઘરઆંગણે દર્દીઓને સેવાઓ પૂરી પાડી મુખ્યમંત્રીશ્રીના આ આહવાનને જાણે કે ઝીલી લીધું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.