Western Times News

Gujarati News

માર્ગ અકસ્માતથી થતા મોતમાં મહારાષ્ટ્ર દેશમાં બીજા ક્રમે

મુંબઈ, દેશમાં ટ્રાફિક અકસ્માતો સંબંધે નેશનલ ક્રાઈમ રેકોર્ડ્‌સ બ્યુરો (એનસીઆરબી) દ્વારા પ્રકાશિત થયેલા ડાટા અનુસાર ૨૦૨૦ દરમ્યાન અકસ્માતોને કારણે થયેલા મોતની બાબતમાં મહારાષ્ટ્ર દેશમાં બીજા ક્રમાંકે રહ્યું હતું. રાજ્યમાં ગયા વર્ષે ૨૪,૯૦૮ અકસ્માતના કિસ્સા થયા હતા જેમાં ૧૩,૯૪૦ લોકોના મોત થયા હતા જ્યારે ૧૭,૯૫૭ લોકોને ઈજા થઈ હતી.

એનસીઆરબીએ આપેલી માહિતી મુજબ આ ૨૪,૯૦૮ અકસ્માતો પૈકી ૨૨,૨૧૧ માર્ગ અકસ્માત હતા જ્યારે ૨,૬૯૭ રેલવે અકસ્માત હતા. માર્ગ અકસ્માતમાં ૧૭,૧૬૫ લોકોને ઈજા થઈ હતી અને ૧૨,૦૧૮ લોકોના મોત થયા હતા. બીજી તરફ રેલવે અકસ્માતોમાં ૭૯૨ લોકોને ઈજા થઈ હતી અને ૧,૯૨૨ લોકોના મોત થયા હતા.

એનસીઆરબીના ડાટાથી જણાય છે કે મહારાષ્ટ્ર અકસ્માતોને કારણે થતા મોતથી દેશમાં બીજા ક્રમે રહ્યું છે. ઉત્તર પ્રદેશ ૩૦,૫૯૩ અકસ્માતોમાં ૧૩,૯૪૦ મોત અને ૧૬,૦૬૯ ઈજાઓ સાથે પ્રથમ ક્રમે રહ્યું હતું.

જાે કે અચાનક થતા મોતના વર્ગમાં મહારાષ્ટ્ર ૪૯,૨૨૫ અકસ્માતોમાંથી ૧૫,૨૪૫ મોત સાથે પ્રથમ રહ્યું હતું. બીજી તરફ મુંબઈમાં અન્ય મહાનગરોની સરખામણીએ ઓછા ટ્રાફિક અકસ્માત નોંધાયા હતા. મુંબઈમાં ૪૧૮ અકસ્માતના કિસ્સામાં ૪૧૮ મોત થયા હતા જ્યારે ૭૫ લોકોને ઈજા થઈ હતી. જાે કે અકસ્માતોને કારણે થતા મોતમાં મુંબઈ મોખરે રહ્યું હતું. મુંબઈમાં માર્ગ અકસ્માતોમાં ૫,૨૨૧ મોત થયા હતા જ્યારે દિલ્હીમાં ૩,૯૯૪, બેંગલુરુમાં ૩,૬૪૪, પુણેમાં ૨,૫૯૯, નાગપુરમાં ૨,૨૫૮ અને સુરતમાં ૨,૧૧૯ મોત થયા હતા.

એનસીઆરબીની માહિતીમાં એવું પણ જણાયું હતું કે મહારાષ્ટ્રમાં ૨૦૨૦ દરમ્યાન થયેલા સૌથી વધુ અકસ્માતો સાંજે ૬થી ૯ વચ્ચેના પીક અવર્સમાં થયા હતા જેમાં ૪,૩૬૫ અકસ્માતો થયા હતા. બીજાે સૌથી જાેખમી સમય બપોરે ૩થી ૬નો સાબિત થયો હતો જેમાં ૩,૭૧૨ અકસ્માત થયા હતા. ત્યાર બાદ બપોરે ૧૨થી ૩ વચ્ચે ૩,૩૬૯ અકસ્માત અને સવારે ૯થી૧૨ વચ્ચે ૨,૩૦૧ અકસ્માત થયા હતા.

મધરાતથી પરોઢિયે ૩ વાગ્યા દરમ્યાન ૧,૪૪૨ અકસ્માત નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં ગયા વર્ષે સૌથી ઓછા ૧,૨૯૯ અકસ્માત પરોઢિયે ૩ ક.થી સવારે ૬ ક. વચ્ચે નોંધાયા હતા. માહિતીમાં એવું પણ જણાયું હતું કે મોટાભાગના અકસ્માતોમાં ટ્રક, એસયુવી અને બસ સામેલ હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.