મા ભોમની રક્ષા કરી નિવૃત્ત થયેલા મોટી ઇસરોલ ગામના પાંચ આર્મી જવાનોનું ભવ્ય સ્વાગત કરાયું

(પ્રતિનિધિ) મોડાસા, વર્ષો સુધી ઘર પરિવારથી અળગા રહી માં ભોમની રક્ષા કરી નિવૃત્ત થયેલા મોડાસા તાલુકાના મોટી ઇસરોલના આર્મી મેન જશવંતસિંહ શિવસિંહ મકવાણા સહિત પાંચ જેટલા આ ગામના નિવૃત જવાનોનું એક સાથે ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત સન્માન કરવાનો એક નાનકડો કાર્યક્રમ ગામમાં મંદિર પટાંગણમાં ગાઈડલાઈનનું પાલન સાથે યોજાયો હતો.
જુદા જુદા રાજ્યોમાં ,૨૪ વર્ષ સુધીની દીર્ઘ સેવાઓ આપી નિવૃત થતા જશવંતસિંહ શિવસિંહ મકવાણાને રામદેવ ઉપાસક હીરાદાદાએ આશીર્વચન પાઠવ્યા હતા અને તેમના સહિત ગ્રામજનોએ ભારે ઉમળકાભેર જશવંતસિંહનું અને અન્ય મોટી ઇસરોલ ગામના અગાઉ નિવૃત થયેલા જવાનો નરેન્દ્રભાઈ જેઠાભાઇ પટેલ, પ્રવિણભાઈ વિરાભાઈ પટેલ, દિલીપભાઈ રમેશભાઈ પટેલ અને નરસીભાઈ હીરાભાઈ પટેલ(બીએસએફ) વગેરેનું ફૂલહાર અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગ ગામના આગેવાનો, યુવાનો અને આબાલવૃદ્ધ સૌ કોઈએ ઉપસ્થિત રહી વ્યક્તિગત રીતે પણ ફુલહાર કરી સ્વાગત કર્યું હતું.સન્માનિત જશવંતસિંહ મકવાણા સહિત નિવૃત જવાનોએ પોતાના સન્માન બદલ ગ્રામજનો પ્રત્યે લાગણીઓ સભર આભાર વ્યક્ત કર્યો હતો.