મુંબઈમાં વરસાદ બાદ રેલવે ટ્રેક ઉપર પાણી ફરી વળ્યા

મુંબઈ: હવામાન વિભાગ દ્વારા મુંબઈમાં વાદળછાયું વાતાવરણ અને ભારે વરસાદ રહેવાની સંભાવના બુધવાર માટે કરી હતી જોકે, મંગળવાર બપોર પછી અહીં વરસાદી માહોલ જામ્યો અને ઘણાં વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, જેમાં ગોરેગાંવ, કિંગ્સ સર્કલ અને સાયનનો સમાવેશ થાય છે. ભારે વરસાદના કારણે રેલવે સ્ટેશન પર આવેલા ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે.
જેના કારણે રેલવે વ્યવહાર પર અસર પડી રહી છે. તોફાની વરસાદના કારણે સાંજના સમયે પોતાના ઘર તરફ જઈ રહેલા મુસાફરોએ ભારે તકલીફનો સામનો કરવો પડ્યો. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે મુંબઈમાં બુધવારે ૩૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેશે,
જ્યારે લઘુત્તમ તાપમાન ૨૬ ડિગ્રી પહોંચશે. હવામાન વિભાગે જણાવ્યું કે, બુધવારથી વરસાદનું જોર ઘટશે અને અઠવાડિયાના અંત સુધીમાં તે વધારે સામાન્ય થઈ જશે. મંગળવારે થયેલા તોફાની વરસાદના લીધે વિલે પાર્લે મંદિર વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો. જ્યારે સાયન સ્ટેશન પર ટ્રેનના આવવાના કારણે પ્લેટફોર્મ પર પહોંચેલા મુસાફરો અટવાઈ પડ્યા હતા. સતત થયેલા વરસાદના કારણે સાયન-કુર્લા, ચુનાભઠ્ઠી-કુર્લા અને મસ્જિદ વગરે પરા વિસ્તારમાં સેન્ટ્રલ રેલવે પર અસર પડી હતી અને રેલવે વ્યવહાર અટકાવી દેવો પડ્યો હતો.
અંધેરી અને ચર્ચગેટ લોકલટ્રેનના વ્યવહારને પણ અટકાવી દેવાયો હતો. જ્યારે વેસ્ટર્ન રેલવેના પીઆરઓ દ્વારા જણાવાયું કે અંધેરી અને વિરાર વચ્ચે રેલવે વ્યવહાર સામાન્ય છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે મુંબઈમાં મંગળવારે થયેલા ૨૩.૪ એમએમ વરસાદ સાથે અહીં સિઝનનો ૧૨૯% વરસાદ થયો છે. હવામાન વિભાગ દ્વારા જણાવ્યા પ્રમાણે દક્ષિણ મુંબઈ અને ઉત્તર-પશ્ચિમ પરા વિસ્તારમાં જેવા કે અંધેરી, જોગેશ્વરી, ગોરેગાંવ, મલાડ અને બોરીવલ્લીમાં મંગળવાર સવારથી ૭૦એમએમ જેવો વરસાદ થયો છે.