મોંઘી બાઈક ચોરી કરતી ગેંગના છ શખ્સ ઝડપાયા
કલ્યાણ, થાને પોલીસે મોટરસાઈકલની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કરીને છની ધરપકડ કરી લીધી છે. જેમાં આંબેરનાથના મુખ્ય આરોપીને પણ ઝડપી લેવામાં આવ્યો છે, આ શખ્સ પોતાની પત્નીના શોખને સંતોષવા માટે મોંઘા મોટરસાઈકલની ચોરી કરતો હતો અને પત્નીનું મન ભરાઈ જાય પછી તેને જરુર હોય તેવા લોકોને સસ્તામાં વેચી દેતો હતો.
આરોપી અન્ય ગેંગના લોકો કે જે ભંગારના ધંધા સાથે સંકળાયેલા હતા તેમને બાઈક વેચી દેતો હતો. ભંગારના વેપારીઓ મોંઘા ચોરીના બાઈકના સ્પેરપાર્ટ્સ અલગ પાડીને વેચી દેતા હતા.
પોલીસે જે છ લોકોની ધરપકડ કરી છે તેમની પૂછપરછ દરમિયાન ૧૬ બાઈક ચોરીના ભેદ ખુલ્યા છે, આ સિવાય અન્ય ઘણાં મોટર સાઈકલની ચોરીમાં આ શખ્સો સંડોવાયેલા છે. પોલીસે ૧૭ ચોરીના બાઈક, ૨૩ મોટર એન્જિન પાર્ટ્સ, ૨૮ અન્ય એન્જિન પાર્ટ્સ અને સ્પેરપાર્ટ્સ આરોપી ભંગારના વેપારીઓના ગોડાઉનમાંથી કબજે કર્યા છે.
ઝડપાયેલા આરોપીઓની ઓળખ દીપક સાલગરે, રાહુલ ભાગવત, ચિનમુન ચવાન ઉર્ફે બબલુ, ધર્મેન્દ્ર ચવાન, શમશેર ખાન, ભૈરવસિંહ ખારવડ તરીકે થઈ છે.
આ છ શખ્સોમાં મુખ્ય આરોપી દીપક સાલગરેની અંબેરનાથના પાલેગાંવ વિસ્તારથી ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય અન્ય પાંચની કલ્યાણ-ડોંબીવ્લીમાં તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી છે. કલ્યાણ-ડોંબીવ્લી અને આસપાસના વિસ્તારોમાં બાઈક ચોરીની ઘટનાઓ વધી જતા પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજની તપાસ કરવાની સાથે ભંગારનો વેપાર ચાલતો હોય તેવા વિસ્તારોમાં વોચ ગોઠવવામાં આવી હતી.
પોલીસે આ કેસમાં સૌથી પહેલા દીપકની ધરપકડ કરી હતી જેમાં તપાસ દરમિયાન તેણે પોતાની પત્નીના શોખ પૂરા કરવા માટે ચોરી કરતો હોવાનું કબૂલ્યું હતું. આ સાથે જ તેણે કોને બાઈક આપતો હતો તે ભંગારનો વેપાર કરતા લોકોના નામોનો પણ ખુલાસો કર્યો હતો. આ ગેંગ દ્વારા કબૂલવામાં આવ્યું છે કે તેઓ જરુર હોય તેવા લોકોને સસ્તામાં બાઈક વેચી દેતા હતા જ્યારે ગેંગના કેટલાક સભ્યો તેના પાર્ટ્સ છૂટા પાડીને વેચી દેતા હતા. ઝડપાયેલા આરોપીઓ મુંબઈ, નવી મુંબઈ, કલ્યાણ-ડોંબીવ્લી અને આસપાસના શહેરોમાં પણ ગુના આચર્યા છે.SSS