મ્યુનિ. કોર્પોરેશને મિલ્કતવેરાના મોટા દેવાદારોની યાદી જાહેર કરી
નાના દેવાદારોની ૧પ૭૯૦ મિલ્કતો સીલ કરી રૂા.૧૮પ કરોડની આવક મેળવી
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ પ્રોપર્ટી ટેક્ષ વિભાગ રૂા.૧૦ હજાર સુધીના નાના દેવાદારોની મિલ્કત સીલ કરે છે જયારે કરોડો રૂપિયાના બાકી દેવાદારો માટે લાલજાજમ બિછાવવામાં આવી રહી છે.
મ્યુનિ. રેવન્યુ કમીટી ચેરમેન દ્વારા જાહેર કરવામાં આવેલા મોટા ડીફોલ્ટરોની યાદી જાેતા આ બાબત સાબિત થઈ રહી છે. નાણાકીય વર્ષના અંતિમ મહીનામાં તંત્ર દ્વારા સીલીંગ ઝુંબેશ વધુ સઘન બનાવવામાં આવી છે તથા માત્ર ૩પ દિવસમાં જ ૧પ હજાર કરતા વધુ મિલ્કતો સીલ કરી તિજાેરી ભરવા પ્રયાસ થઈ રહયા છે.
મ્યુનિ. રેવન્યુ કમીટી ચેરમેન જૈનિકભાઈ વકીલે બુધવારે મિલ્કતવેરાના મોટા દેવાદારોની યાદી પ્રસિધ્ધ કરી હતી જેમાં સૌથી મોખરે કેલીકો મીલનું નામ આવે છે. જેના રૂા.ર૪ કરોડ બાકી છે બંધ મીલો માટે ઓફીશીયલ લીકવીડેટરમાં કલેઈમ કરવામાં આવ્યા હોવાથી તેની જમીન વેચાણ થયા બાદ જ રીકવરી થઈ શકે છે.
આ ઉપરાંત ગાંધી ડેકોરેશનના રૂા.૧ર.ર૮ કરોડ બાકી નીકળે છે જેના માટે તંત્ર દ્વારા શા માટે કાર્યવાહી થતી નથી ? તે ચર્ચાનો વિષય બન્યો છે.
મ્યુનિ. મિલ્કતવેરાના અન્ય મોટા લેણદારોમાં રેલ્વે વિભાગ છે. કાલુપુર રેલ્વે સ્ટેશન બીલ્ડીંગના રૂા.૧૧.૭૧ કરોડ તથા તેના કેમ્પસમાં આવેલા પાંચ પાર્કીંગના પ્રોપર્ટી ટેક્ષના રૂા.૧.૬૮ કરોડ બાકી છે જે માટે ઘણા વર્ષોથી બેઠકો ચાલી રહી છે પરંતુ હજુ ઉકેલ આવ્યો નથી.
કાંકરીયા આબાદ ડેરીની જગ્યા પર તૈયાર કરવામાં આવેલા ટ્રાન્સ. સ્ટેડીયમ પાસેથી રૂા.૬.૧૯ કરોડ, બ્લયુ લગુન પાર્ટી પ્લોટની બે મિલ્કતો પેટે રૂા.૬.૦૬ કરોડ, એકલવ્ય સ્પોર્ટસ એકેડેમીના રૂા.૯૧ લાખ તથા આસ્થા ઉપવન પાસેથી રૂા.ર.૦ર કરોડના બાકી લેણા છે જેની વસુલાત થઈ નથી, અદાણી એનર્જી લીમીટેડ દ્વારા નાંખવામાં આવતી ગેસ પાઈપલાઈનોનો ટેક્ષ પણ બાકી છે.
મ્યુનિ. ટેક્ષ વિભાગ દ્વારા ૧લી જાન્યુઆરીથી ૩૧ માર્ચ- ર૦રર સુધી રીબેટ યોજના જાહેર કરવામાં આવી છે, જાન્યુઆરી મહીનામાં માત્ર રૂા.૮૯.૪૬ કરોડની આવક થતા સીલીંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે.
૧લી ફેબ્રુઆરીથી ૧પ માર્ચ સુધી તંત્ર દ્વારા ૧પ૭૯પ મિલ્કતો સીલ કરવામાં આવી છે જેની સામે રૂા.૧૮પ કરોડની આવક મ્યુનિ. તિજાેરીમાં જમા થઈ છે.
મ્યુનિ. કોર્પોરેશનને નાણાકીય વર્ષમાં ર૦ર૦-ર૧ મિલ્કતવેરા પેટે કુલ રૂા.૧૦૩પ.ર૮ કરોડની આવક થઈ હતી જેની સામે ચાલુ નાણાકીય વર્ષમાં ૧પ માર્ચ સુધી રૂા.૧૦ર૬.૭૭ કરોડની આવક થઈ છે, તંત્ર જે રીતે ઝુંબેશ કરી રહયુ છે તે જાેતા માર્ચ મહીનાના અંત સુધી મિલ્કતવેરા પેટે રૂા.૧ર૦૦ કરોડની આવક થવાની શક્યતા છે. તેવી જ રીતે પ્રોફેશનલ ટેક્ષની આવકમાં પણ નોધપાત્ર વધારો થયો છે.
ર૦ર૦-ર૧માં વ્યવસાય વેરાની કુલ આવક રૂા.૧૭૧.૬૩ કરોડ હતી જેની સામે વર્તમાન નાણાકીય વર્ષમાં ૧પ માર્ચ સુધી રૂા.૧૮૭.૬૯ કરોડની આવક થઈ છે જયારે વ્હીકલ ટેક્ષની આવકમાં પણ પ૧ ટકાનો નોંધપાત્ર વધારો થયો છે.
કમીટી ચેરમેન જૈનીકભાઈ વકીલના જણાવ્યા મુજબ કેન્દ્ર કે રાજય સરકારના બાકી લેણાની રીકવરી ૩૧ માર્ચ સુધી કરવામાં આવે છે. નામદાર સુપ્રિમ કોર્ટના ચુકાદા સામે રીકવરીના કોઈ કડક પગલા લઈ શકાતા નથી. આ ઉપરાંત જે કિસ્સામાં કોર્ટ કાર્યવાહી ચાલતી હોય અથવા કોર્ટ દ્વારા સ્ટે. આપવામાં આવ્યો હોય તેવી મિલ્કતોમાં પણ સીલ અથવા અન્ય કાર્યવાહી કરવામાં આવતી નથી.