યુપી વિધાન પરિષદના તમામ ૧૩ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા
લખનૌ, ઉત્તર પ્રદેશ વિધાન પરિષદની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવનાર તમામ ૧૩ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. ૧૩માંથી ૯ ભાજપના અને ૪ સમાજવાદી પાર્ટીના છે. નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય, પ્રધાનો ચૌધરી ભૂપેન્દ્ર, દયાશંકર મિશ્રા દયાલૂ, જેપીએસ રાઠોડ ભાજપના ઉમેદવારોમાં હતા, જેઓ બિનહરીફ જીત્યા હતા.
પ્રધાન નરેન્દ્ર કશ્યપ, પ્રધાન જસવંત સૈની અને પ્રધાન દાનિશ આઝાદ અંસારી પણ જીત્યા હતા. સપાના સ્વામી પ્રસાદ મૌર્ય અને મુકુલ યાદવે પોતપોતાની બેઠકો જીતી હતી. યાદવ સોબરન યાદવના પુત્ર છે, જેમણે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન અખિલેશ માટે કરહાલ બેઠક છોડી હતી.
કેશવ પ્રસાદ મૌર્ય કૌશામ્બીની સિરાથુ વિધાનસભા બેઠક પરથી ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી લડ્યા હતા, પરંતુ સમાજવાદી પાર્ટીની પલ્લવી પટેલ સામે તેઓ હારી ગયા હતા.
સ્વામી પ્રસાદ મૌર્યએ પણ તાજેતરની વિધાનસભાની ચૂંટણી ફાઝીલનગર બેઠક પરથી લડી હતી પરંતુ તેનો પરાજય થયો હતો. આ દરમિયાન આઝમ ખાનના નજીકના સાથી શાહનવાઝ ખાન શબ્બુ અને જસ્મિર અંસારીએ પણ વિધાન પરિષદની ચૂંટણી જીતી હતી.HS1MS