યુવકની 10 વર્ષની મહેનત રંગ લાવીઃ તામ્રપીઠ સાપની નવી જાતી શોધી
ગુજરાતમાં ૬૪ જેટલી પ્રજાતિના સાપ છે, જેમાં ખોજ પછી આ સંખ્યા વધીને ૬૫ થઈ છે.
(એજન્સી)સુરત, સુરતના વન્યજીવ અભ્યાસુએ દસ વર્ષની મહેનત રંગ લાવી છે. મ્યાનમાર, ચીન, બાંગ્લાદેશ, વિયેતનામ જેવા દેશમાં જોવા મળતા તામ્રપીઠ સાપને સુરત અને તેની આસપાસના વિસ્તારમાં શોધી કાઢ્યો છે. એટલું જ નહીં આ સાપ સુરત જેવા વિસ્તારમાં કઈ રીતે સ્થાયી થઈ શક્યા તેના કારણો પણ અભ્યાસમાં શોધવાનો પ્રયાસ કર્યો છે.
સુરતના રિસર્ચ સ્કોલર દિકાંશ એસ. પરમાર અને પ્રયાસ એનજીઓના સ્વયંસેવક મેહુલ ઠાકુરે ૨૦૧૪ થી ૨૦૨૪ સુધી મહેનત કરી હતી. જેના કારણે સુરત અને ગુજરાતના સાપોમાં એક નવી પ્રજાતિના સાપની ખોજ કરી છે. દિકાંશ સુરતના એક માત્ર એવા હર્પેટોલોજિસ્ટ અને રિસર્ચ સ્કોલર છે, જેમણે ઈસ્ટર્ન બ્રોન્ઝબેક ટ્રી સ્નેક પર સંશોધન કર્યું હતું.
૨૦૨૧ માં એક નવી પ્રજાતિ ગેકો વેસ્ટર્ન ઘાટમાંથી શોધી હતી. તેનું વૈજ્ઞાનિક નામ “ડેન્ડ્રેલાફીસ પ્રોઆર્કોસ” છે. જે મ્યાનમાર, ચીન, બાંગ્લાદેશ, લાઓસ તથા વિયેતનામ જેવા દેશોમાં મળતો સાપ છે. આ પ્રજાતિના કુલ ૭ સ્પેસિમેન પર ૨૦૧૪ થી ૨૦૨૪ સુધી સંશોધન થયું છે. જેમાં સાપની મોર્ફોલોજી, મોર્ફોમેટ્રિક્સ અને તે કયા વિસ્તારમાં જોવા મળે છે.
તેમજ સુરતમાં કેવી રીતે આ સાપની પ્રજાતિ આવી એના ઉપર રિસર્ચ કરવામાં આવે છે. સુરતના ઉધના, નવસારી બજાર, વેસુ, ઓલપાડ અને ડુમસ વિસ્તારમાં આ સાપનો વસવાટ છે. ગુજરાતમાં ૬૪ જેટલી પ્રજાતિના સાપ છે, જેમાં ખોજ પછી આ સંખ્યા વધીને ૬૫ થઈ છે.રિસર્ચ સ્કોલર દિકાંશ પરમાર જણાવે છે કે, આ સાપ બ્રોન્ઝબેક પ્રજાતિનો સાપ છે જેને ગુજરાતીમાં તામ્રપીઠ સાપ કહેવાય છે, કારણ કે એની પીઠનો રંગ તાંબા જેવો હોય છે.
અત્યાર સુધી ગુજરાત અને સુરતમાં માત્ર એક બ્રોન્ઝબેક પ્રજાતિનો સાપ હતો, જેને કોમન બ્રોન્ઝબેક (વૈજ્ઞાનિક નામ ડેન્ડ્રેલાફીસ ટ્રીસ્તીસ) કહેવાય છે. પણ આ શોધ પછી હવે ઈસ્ટર્ન બ્રોન્ઝબેક ટ્રી સ્નેક અને કોમન બ્રોન્ઝબેક ટ્રી સ્નેક એમ બે પ્રજાતિના સાપો થયા છે. બ્રોન્ઝબેક સ્નેકની લગભગ ૧૧ જેટલી પ્રજાતિઓ સાથે આ સાપના ટેક્સોનોમી, મોર્ફોલોજી, મોર્ફોમેટ્રિક્સ અને ડીએનએ જેવા કેરેક્ટર્સની તપાસ કરવામાં આવી અને એના એક એક કેરેક્ટરને મેચ કરીને આ નવો મળેલો સાપ દુર્લભ એવો ઈસ્ટર્ન બ્રોન્ઝબેક છે એવુ સંશોધનમાં ફલિત થયું.