યુવતી સાથે તારે શું સંબંધ છે એવું કહીને નકલી પોલીસે યુવકને ધમકાવ્યો
નકલી પોલીસે યુવકનું અપહરણ કરી રૂ.૮૦ હજાર પડાવી લીધા
(એજન્સી)અમદાવાદ, પેલી યુવતી સાથે તારે શું સંબંધ છે તેમ કહીને પોલીસના સ્વાંગમાં આવેલા બે શખ્સોએ યુવકનું અપહરણ કરીને ૮૦ હજાર રૂપિયા પડાવી લેવાનો કિસ્સો સામે આવ્યો છે. બે શખ્સોએ યુવકને જેલમાં રહેવું ના પડે અને કેસ ના થાય તેમ કહીને પૈસા પડાવ્યા હતા.
ઘોડાસર વિસ્તારમાં આવેલા પુનિતનગરમાં રહેતા હેમલ પટેલે કાગડાપીઠ પોલીસ સ્ટશેનમાં અજાણ્યા શખ્સો વિરૂદ્ધ પોલીસની ઓળખ આપીને અપહરણ કર્યા બાદ ૮૦ હજારનો તોડ કરવાની ફરિયાદ કરી છે.
હેમલ શાહીબાગ વિસ્તારના રિવ એસ્ટેટમાં આવેલી ફોનસેમ્ટ નામની કંપનીમાં નોકરી કરીને પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવે છે. તા.ર૧ એપ્રિલના રોજ બપોરેના ત્રણ વાગ્યાની આસપાસ હેમલ પોતાનું એક્ટિવા લઈને ગીતા મંદિર ચાર રસ્તા પાસે આવેલી હોટલમાં પાણી પીવા માટે ઊભો રહ્યો હતો.
હેમલ પાણી પીતો હતો ત્યારે એક અજાણી મહિલા તેની પાસે આવી અને દવાના પૈસા માંગયા હતા. મહિલા સાચું બોલે છે કે ખોટું બોલી રહી છે તે જાણવા માટે હેમલે તેની સાથે બે મિનિટ વાત કરી હતી.
મહિલા સાચું બોલતી હોવાનું લાગતાં હેમલે તેના પર્સમાંથી પ૦૦ રૂપિયા કાઢીને તેને આપ્યા હતા. મહિલાને રૂપિયા આપ્યા બાદ હેમલ તેના ઘરે જવા માટે નીકળ્યો હતો ત્યારે ટુ-વ્હીલર પર બે શખ્સો આવ્યા હતા. આ બન્ને શખ્સોએ હેમલને ઈશારો કરીને વાહન ઊભું રાખવા માટે કહ્યું હતું.
હેમલે પોતાનું એક્ટિવા ઊભું રાખતા આ બન્ને શખ્સોએ પોતાની ઓળખ પોલીસ કર્મચારી તરીકે આપી હતી. બન્ને શખ્સોએ એકદમ કડક શબ્દોમાં હેમલને કહ્યું હતું કે, તમે આજુબાજુ રહેલી યુવતીઓને જુઓ છે. પેલી યુવતી સાથે તમારે શું સંબંધ છે ત્યારબાદ બન્ને શખ્સોએ હેમલને પોલીસ સ્ટેશન આવવું પડશે તેમ કહીને એક્ટિવા પર બેસાડી દીધો હતો.
હેમલનું એક્ટિવા એક શખ્સ ચલાવી રહ્યો હતો જ્યારે તે પાછળ બેઠો હતો. એક્ટિવા પર બેઠેલો શખ્સ હેમલને ડરાવવા માટે તેને જણાવતો હતો કે તારે પોલીસ સ્ટેશન તથા જેલમાં ના જવું હોય તો પૈસા આપવા પડશે. આથી હેમલ ગભરાઈ ગયો હતો અને તેણે શખ્સને કહ્યું હતું કે, મારી પાસે પૈસા નથી પરંતુ ડેબિટ કાર્ડ છે. હેમલની વાત સાંભળીને શખ્સે એક્ટિવા સાઈડમાં ઊભું કરી દીધું હતું.
જ્યારે તેની સાથે આવી રહેલા બીજા શખ્સે પણ પોતાનું વાહન ઊભી કરી દીધું હતું. બન્ને શખ્સોએ ભેગા મળીને હેમલને ર૦ હજાર ઉપાડીને આપવા માટે કહ્યું હતું. આથી હેમલ એટીએમમાં ગયો અને ર૦ હજાર રૂપિયા ઉપાડીને બન્ને શખ્સોને આપી દીધા હતા વધુ રૂપિયા પડાવવાની લાલચમાં એક શખ્સે ફોન પર વાત કરી હતી અને સર…સર તેમ બોલવા લાગ્યો હતો.