રણધીર કપૂર આરકે બેનરનું ડાયરેક્શન કરવા જઈ રહ્યાં છે
મુંબઈ: મેરા નામ જોકર, બોબી અને સત્યમ શિવમ સુંદરમ જેવી અનેક યાદગાર ફિલ્મો બનાવનારા નિર્માતા-નિર્દેશક રાજ કપૂરના બેનર આરકે ફિલ્મસને આજે દરેક કોઈ મિસ કરે છે. બે વર્ષ પહેલા જ્યારે આરકે સ્ટુડિયોના વેચવાના ખબર આવ્યા હતા તો લોકોએ આરકે બેનરના વાપસીની આશા ગુમાવી હતી. પરંતુ હવે આ બેનરને લઈને મોટા ખુશખબર આવ્યા છે. સમાચાર એ છે કે, આરકે ફિલ્મસ હવે બોલિવુડમાં દમદાર વાપસી માટે તૈયાર છે. જોકે, ગત કેટલાક સમયથી એવા સમાચાર વહેતા થયા હતા કે, આરકે બેનરને ફરી એકવાર શરૂ કરવામાં આવશે. પરંતુ દર વખતે આ વાત અફવા સાબિત થઈ હતી.
હવે રાજ કપૂરના દીકરા રણધીર કપૂરે આ વાત પર મહોર લગાવી દીધી છે કે, તેઓ આરકે બેનર નીચે ફિલ્મનું ડાયરેક્શન કરવા જઈ રહ્યાં છે. રણધીર કપૂરે આ વાતને લઈને માહિતી આપી છે. તેઓએ કહ્યું કે, અમે આ ફિલ્મ બનાવવા જઈ રહ્યાં છે. હવે અમે આરકે બેનરને ફરીથી શરૂ કરવા જઈ રહ્યાં છે. આ ફિલ્મ એક લવ સ્ટોરી પર આધારિત હશે અને આ ફિલ્મને રાજ કપૂરનો સૌથી નાનો દીકરો બનાવશે. જોકે, આ ફિલ્મના કાસ્ટીંગને લઈને રણધીર કપૂરે કોઈ માહિતી આપી નથી.
તમને જણાવી દઈએ કે, થોડા વર્ષો પહેલા એક ભીષણ આગને કારણે આરકે સ્ટુડિયો અને તેની સંપત્તિને ભારે નુકસાન થયું હતું. વર્ષ ૨૦૧૮માં આ સ્ટુડિયોને ગોદરેજ પ્રોપર્ટીને વેચી દેવામાં આવ્યો હતો. રાજ કપૂર દ્વારા બનાવાયેલા આરકે ફિલ્મસના બેનરે અનેક સુપરહીટ ફિલ્મો આપી છે. જેમાં બૂટ પોલિશ, જાગતે રહો, મેરા નામ જોકર, બોબી, સત્યમ શિવમ સુદરમ, પ્રેમ રોગ અને રામ તેરી ગંગા મેલી જેવી ફિલ્મો સામેલ છે. રાજ કપૂરના નિધન બાદ તેમના બેનર નીચે હિના ફિલ્મનું નિર્દેશન રણધીર કપૂરે કર્યું હતું. રાજીવ કપૂરના ડાયરેક્શનમાં પ્રેમગ્રંથ ફિલ્મ બની હતી. આ બેનરની છેલ્લી ફિલ્મ ઋષિ કપૂરના નિર્દેશનમાં બનેલી આ અબ લૌટ ચલે ફિલ્મ હતી.