રણવીર-દીપિકાની રેસ્ટોરાંની બહાર વસ્તુ પર નજર અટકી
મુંબઈ, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે શનિવારે રાત્રે દેશની સ્ટાર બેડમિન્ટન પ્લેયર પીવી સિંધુ સાથે ડિનર લીધું હતું. આ ત્રણેય મુંબઈની એક જાણીતી રેસ્ટોરાંમાં પહોંચ્યા હતા. અહીં મીડિયાના ફોટોગ્રાફર્સ હાજર હતા ત્યારે તેમણે સ્ટાર કપલ અને સ્ટાર બેડમિન્ટન પ્લેયરની તસવીરો લેવા માટે પડાપડી કરી હતી.
રેસ્ટોરાંમાંથી બહાર નીકળીને રણવીર-દીપિકાએ ગળે મળીને પીવી સિંધુને વિદાય આપી હતી. ત્યારપછી રણવીર અને દીપિકા પોતાની કાર તરફ આગળ વધતા હતા ત્યારે તેમની નજર ફોટોગ્રાફરના ચપ્પલ પર અટકી ગઈ હતી.
સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર વિડીયો શેર કર્યો છે. જેમાં દીપિકા અને પતિ રણવીર સિંહ ફોટોગ્રાફરને ચપ્પલ પહેરી લેવાનું કહે છે. સ્ટાર કપલની તસવીરો અને વિડીયો ક્લિક કરવા માટે ફોટોગ્રાફર્સની ભારે ભીડ હતી તેમ છતાં દીપિકાને ફોટોગ્રાફરનું નીકળી ગયેલું ચપ્પલ દેખાઈ ગયું. ફોટોગ્રાફર્સ કપલને ઊભા રહીને પોઝ આપવાની વિનંતી કરી રહ્યા હતા ત્યારે જ દીપિકાની નજર ચપ્પલ પર પડી હતી. તેણે ફોટોગ્રાફરને કહ્યું કે, ‘ચપ્પલ તો લઈ લો’.
ત્યારે એકે જવાબ આપ્યો ‘મારું નથી’. દીપિકાએ કહ્યું કે, ‘તમારું જ છે, જુઓ’. ત્યારે ફોટોગ્રાફર્સે કહ્યું કે, ‘પછી અમે લઈ લઈશું’. ત્યારબાદ રણવીરે પણ ફોટોગ્રાફરને પોતાનું ચપ્પલ લઈ લેવાનું કહ્યું હતું. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને સોશિયલ મીડિયા યૂઝર્સ જાતજાતની પ્રતિક્રિયા આપી રહ્યા છે. જણાવી દઈએ કે, પીવી સિંધુએ હાલમાં યોજાયેલા ઓલિમ્પિકમાં કાંસ્ય પદક જીત્યો હતો.
ત્યારે દીપિકા અને રણવીરે પીવી સિંધુ સાથે આ સિદ્ધિની ઉજવણી કરી હતી. રણવીર સિંહે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર દીપિકા અને સિંધુ સાથેની સેલ્ફી પોસ્ટ કરતાં લખ્યું હતું, ‘સ્મેશિંગ ટાઈમ.’ રણવીરની પોસ્ટ પર કોમેન્ટ કરતાં સિંધુએ લખ્યું, “રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ તમારી સાથે સુંદર સમય વિતાવ્યો. ફરી મળવા માટે ઉત્સુક છું.” રણવીરે આ જ તસવીર ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરતાં લખ્યું હતું, “લાખોમાં એક. પીવી સિંધુની સફળતાને ઉજવી રહ્યા છીએ.SSS