રત્નકલાકારોની અછત દૂર કરવા અમદાવાદમાં ટ્રેનિંગ સેન્ટર સ્થપાશે
હીરાબજારમાં ત્રણ-ચાર મહિનાથી તેજીનો માહોલઃ રફ-તૈયાર માલના ભાવમાં વધારો
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, હીરાબજારમાં છેલ્લા ત્રણ મહિનાથી તેજીનો માહોલ સર્જાયો છે. તો બીજી બાજુ કારીગરોની અછત સર્જાતા દ્વિધાભરી સ્થિતિનું નિર્માણ થયુ છે. જાે કે આ પરિસ્થિતિમાંથી હીરા ઉદ્યોગના માલિકોને બહાર કાઢવા માટે એક નવીન અભિગમ અપનાવવાની તૈયારીઓ હાથ ધરાઈ છે.
વિવેકાનંદ ડાયમંડ એસોસીએશનના પ્રમુખ નરસિંહભાઈ પટેલે ‘વેસ્ટર્ન ટાઈમ્સ’ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે કારીગરોની અછત કાયમી સ્તરે દુર થાય એ માટે વિવેકાનંદ ડાયમંડ એસોસીએશન અમદાવાદમાં રત્નકલાકારોને ટ્રેનિંગ આપવા માટે એક સેન્ટર ખોલવાનુ વિચારી રહ્યુ છે. આ અંગે ટૂંકમાં જ રાજેયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળીને એસોસીએશનના આગેવાનો રજુઆત કરનાર છે.
માત્ર ટ્રેનિંગ જ નહીં પરંતુ ટ્રેનિંગ માટે આવનાર રત્નકલાકારોને ર થી ૩ હજાર જેટલુ માસિક સ્ટાઈપેન્ડ આપવામાં આવે, જેથી કરીને તેમનો આવવા-જવાનો ખર્ચ નીકળી જાય.
અમદાવાદમાં મોટેભાગે નિકોલ અગર તો જે પ્રમાણે નકકી થાય એ મુજબ સ્થળની પસંદગી કરવામાં આવશે. છેલલા ત્રણ-ચાર મહિનાથી હીરા બજારમાં તેજીનો માહોલ સર્જાયો છે. તૈયાર માલ-રફ માલના ભાવ વધ્યા છે. બીજી તરફ તેજીનો માહોલ થતાં હીરાબજારના માલિકોએ ત્રણથી ચાર વખત કારીગરોના પગારમાં વધારો કર્યો છે.
રત્ન કલાકારોની અછતનું મુખ્ય કારણે મંદી અને કોરોના મુખ્ય હતા. તેઓ હીરાનું કામ છોડીને પોતાના માદરે વતન જતાં રહ્યા હોઈ અછતની સ્થિતિ સર્જાઈ છે. કારીગરોની અછતને દુર કરવા માટે વિવેકાનંદ ડાયમંડ એસોસીએશન આગળ આવ્યુ છે. યુવાનોનેે ટ્રેનિંગ આપવા સેન્ટર ખોલવાનું વિચાર્યુ છે. આ અંગે અમદાવાદમાં સેન્ટર ખોલવા સ્થળ પણ ધ્યાન પર રાખવામાંં આવ્યુ છે.
રાજ્યના મુખ્યમંત્રીને સોમવારે મુલાકાત લઈને રજુઆત કરવામાં આવશે. હીરા ઉદ્યોગનો વ્યવસાય કાયમી છે અને તેમાં પ્રશિક્ષીત કારીગરોની આવશ્યકતા રહે છે તેથી ટ્રેનિંગ સેેન્ટરમાં તેમને આધુનિક પધ્ધતિથી ટ્રેનિંગ અપાશે. નવા શિખવા આવતા રત્નકલાકારોમાં ઉત્સાહ જળવાઈ રહે એ માટે રૂા.ર થી ૩ હજારનુ સ્ટાઈપેન્ડ પણ મળે તે માટે રજુઆત કરવામાં આવનાર છે.