રસલપુર ગામે પાટીયા ફળિયામાં એક મકાનમાં આગઃ ૫ પશુઓના મરણ
(પ્રતિનિધિ) ગોધરા, મોરવા હડફ તાલુકા ના રસલપુર ગામે પાટીયા ફળિયામાં ગઈકાલે મોડી સાંજે એક મકાનમાં આકસ્મિક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી.
જેને કારણે સ્થાનિક લોકોએ તાત્કાલિક ગોધરા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરબિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જ્યારે રસુલપુર ગામે આવેલા પાટીયા ફળિયામાં આકસ્મિક આગમાં ત્રણ ભેંસો સહિત બે બળદો આગની લપેટમાં આવી જતા મરણ પામ્યા હતા.
ગઈકાલે એટલે કે સોમવાર ની મોડી સાંજે મોરવા હડફ તાલુકાના રસુલપુર ગામે આવેલ પાટીયા ફળિયામાં રહેતા નવલસિંહ લક્ષ્મણસિંહ પટેલિયાના મકાનમાં એકાએક આકસ્મિક આગ ભભૂકી ઉઠતાં અફરાતફરી સાથે નાસભાગ મચી જવા પામી હતી. જેથી આજુબાજુના વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકોએ આગ બુઝાવવા માટે લોકો ધરેથી પાણી લાવીને આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબૂ લેવા માટે કોશિશ કરી હતી.
પરંતુ આગ એટલી બધી ભીષણ હોવાના કારણે સ્થાનિક લોકોએ તાત્કાલિક ગોધરા ફાયર બ્રિગેડને જાણ કરી હતી.જેથી ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ ફાયર ઓફિસર દિનેશ ડીંડોર, વદનજી ઠાકોર, ભાવેશ ઠાકોર તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.
જ્યારે આગની જ્વાળાઓમાં ત્રણ ભેંસો અને બે બળદ મરણ પામ્યા હતા. સાથે સાથે નવલસિંહ લક્ષ્મણસિંહ પટેલિયાના મકાનમાં રહેલ ઘરવખરી સર સામાન સહિત અન્ય દાગીના અને પૈસા બળીને ખાખ થહી જતા ભારે દુખઃ ની લાગણી ઓ પ્રસરી જવા પામી હતી.