Western Times News

Gujarati News

રાજ્યના ખેલાડીઓને વિવિધ રમતોમાં સિદ્ધિઓ બદલ સન્માનવામાં આવ્યા

ખેલમહાકુંભ-૨૦૧૯ સમાપન સમારોહ : વિજેતાઓને રૂ. ૪૦ કરોડના પારિતોષિક એનાયત  -ખેલમહાકુંભમાં ૩૯ લાખ આબાલ-વૃદ્ધ ખેલાડીઓએ ખેલ કૌશલ્ય ઝળકાવ્યું : મુખ્યમંત્રી

રમત-ગમત સહિત સર્વાંગી વિકાસ ક્ષેત્રે ગુજરાત ૨૦-૨૦ ફોર્મેટ સાથે વિશ્વનું રોલમોડેલ બનશે  ૬૯૩ ખેલાડીઓને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય એવોર્ડ એ ખેલમહાકુંભની સફળતા છે, હરેક યુવાન-બાળક ખેલાડી મેદાનમાં પરસેવો પાડી ખેલ કૌવતથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘ફિટ ઈન્ડિયા’ના સૂત્રને સાકાર કરે , ટ્રોફી-શિલ્ડ જીતવાની સાથે ખેલદિલીની ભાવના પણ ઉજાગર કરીએ.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતુ કે, આવનારુ વર્ષ-૨૦૨૦ એટલે ૨૦-૨૦ છે અને ગુજરાત એમાં પણ લીડ લઈને રમત-ગમત સહિત સર્વાંગી વિકાસના ક્ષેત્રે પણ ૨૦-૨૦ ફોર્મેટથી વિશ્વનું રોલમોડેલ બનશે.  મુખ્યમંત્રીશ્રીએ આજે અમદાવાદ સ્થિત ટ્રાન્સસ્ટેડિયા ખાતે ખેલમહાકુંભ-૨૦૧૯ના સમાપન પ્રસંગે વિવિધ રમતોમાં શ્રેષ્ઠ સિદ્ધિઓ હાંસલ કરનાર ખેલાડીઓનું એવોર્ડ આપી સન્માન કર્યું હતું.  શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના હરેક નાગરિકમાં પડેલાં ખેલ કૌશલ્યને નિખાર આપવા શરૂ કરાવેલા ખેલમહાકુંભની આ ૧૦મી શૃંખલામાં આ વર્ષે ૪૦ લાખથી વધુ નાગરિકો ઉત્સાહભેર રમત-ગમતમાં જોડાયા હતા.

તેમણે કહ્યું હતુ કે, ગુજરાતે આ ખેલમહાકુંભની ફલશ્રૃતિએ અનેક આંતરરાષ્ટ્રીયકક્ષાના ખેલાડીઓ આપ્યાં છે. રાજયમાં સ્વર્ણિમ સ્પોર્ટસ યુનિવર્સિટી, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની સહાયથી ૧૫ જિલ્લાઓમાં ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટ્સ શાળાઓ શરૂ કરવામાં આવી છે. આ શાળાઓમાં રમત-ગમત કેન્દ્રો સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
ગુજરાતના ખેલાડીઓએ ખેલમહાકુંભની સફળતાના પગલે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીયકક્ષાએ વિવિધ રમતોમાં ભાગ લઈ ૬૯૩ જેટલાં એવોર્ડ જીતી રાજયને ગૌરવ અપાવ્યું છે.

ગુજરાતીઓ માત્ર વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે જ આગળ હોવાની છાપ બદલીને ગુજરાતનું રમત-ગમત સામર્થ્ય બહાર લાવવામાં રાજય સરકાર સફળ નિવડી છે.  મુખ્યમંત્રીશ્રીએ રાજયના બાળકો, યુવાનો સહિત ખેલાડીઓને પ્રેરણા આપતા કહ્યું કે, રાજયનું યુવાધન રોજ રમત-ગમતના મેદાનમાં પરસેવો પાડીને ખેલ કૌવત ઝળકાવે સાથે જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘ફિટ ઈન્ડિયા’ના સૂત્રને સાકાર કરે તેવી મનસા છે.

આગામી સમયમાં રમત-ગમત ક્ષેત્રને વધુ પ્રાધાન્ય આપવા રાજય સરકાર તત્પર હોવાનું જણાવી મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આ માટે રાજય સરકારે બજેટમાં વધુ નાણાંની જોગવાઈ કરી છે.  મુખ્યમંત્રીશ્રીએ આ ખેલમહાકુંભના સફળ આયોજનથી ગુજરાતમાં આબાલ-વૃદ્ધ સહુમાં સ્પોર્ટ્સમેન સ્પિરિટ ડેવલપ થઈ છે અને ‘ખેલે ગુજરાત, જીતે ગુજરાત’નો મંત્ર સાકાર થયો છે તેનો આનંદ વ્યક્ત કર્યો હતો.  આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ ખેલમહાકુંભ-૨૦૨૦ના લોગોનું અનાવરણ કર્યુ હતું.

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના રાજયમંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, રાજયના યુવાનોનું રમત-ગમત ક્ષેત્રનું કૌશલ્ય બહાર લાવવા ખેલમહાકુંભનો વર્ષ-૨૦૧૦થી પ્રારંભ કરાયો હતો. આ વર્ષે ૪૬.૯૦ લાખ આબાલ-વૃદ્ધ નાગરિકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જે પૈકી ૩૯.૩૨ લાખ નાગરિકોએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. આ રમતોના વિજેતાઓને અંદાજે રૂ. ૪૦ કરોડના ઈનામો આપવામાં આવ્યા છે.  ખેલકૂદમાં હાર-જીત એ સિક્કાની બે બાજુ છે ત્યારે જે ખેલાડીઓ જીતી શક્યા નથી તેઓ આગામી સમયમાં વધુ પરિણામલક્ષી રીતે રમત-ગમત પ્રત્યે યોગદાન આપે તે માટે તેમને પ્રોત્સાહિત કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતુ.

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના અગ્રસચિવ શ્રી સી.વી.સોમે જણાવ્યું હતું કે, રાજયના યુવા ખેલાડીઓને પ્રોત્સાહન મળે અને તેમનું કૌશલ્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળહળે તે માટે ખેલમહાકુંભનું આયોજન કરાયું છે.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય સર્વેશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, જગદીશભાઈ પટેલ, વલ્લભભાઈ કાકડિયા, અમદાવાદના મેયર શ્રીમતી બીજલબેન પટેલ, પદ્મશ્રી વિજેતા શ્રી ધનરાજ પિલ્લઈ, દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા શ્રી રમેશ રાગપૂરી, અર્જૂન એવોર્ડ વિજેતા સર્વેશ્રી કમલેશ મહેતા, ટૉમ જોસેફ, હરમિત દેસાઈ, ઓલમ્પિયન ધ્રુતિ ચંદ, ખ્યાતિ પ્રાપ્ત ખેલાડીઓ અદિતિ ચૌહાણ, રતન બાલા દેવી, સરિતા ગાયકવાડ, અજીતકુમાર યાદવ, અનુષ્કા પરીખ, માના પટેલ, અંકિતા રૈના, દેવ જાવિયા, તસનીમ મીર વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.