રાજ્યમાં બનેલી દુષ્કર્મની ઘટનામાં આરોપીઓને ફાંસીની સજા થાય તેવા પ્રયાસ : રૂપાણી

રાજકોટ: રાજકોટ ખાતે એક કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં બળાત્કારના આરોપીઓને ફાંસીની સજા મળે તેવું નિવેદન આપતા કહ્યું કે રાજકોટ, વડોદરા અને સુરતના દુષ્કર્મના કેસ મામલે આરોપીઓ પકડાઇ ચૂક્યા છે. ગુજરાત પોલીસની મહેનત રંગ લાવી છે ત્યારે આગામી દિવસોમાં આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટે રાજ્ય સરકાર તમામ પ્રયત્નો કરશે. આ ત્રણેય ઘટનામાં પીડિતાઓને ન્યાય મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આજે વડોદરા નવલખી મેદાનમાં થયેલા ગેંગરેપના આરોપીઓની ધરપકડ કરી હતી. આ મુદ્દે પ્રતિક્રિય આપતા તેમણે જણાવ્યું હતું કે રેપકેસના આરોપીને આજીવન કેદ કે ફાંસી સુધીની સજા થાય અને ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ પતી ત્યાં સુધી રાજ્ય સરકાર પ્રયત્નશીલ રહેશે. વડોદરા રેપકેસના મુદ્દે તેમણે જણાવ્યું, “ ગુજરાતમાં બરોડા, સુરત અને રાજકોટમાં ત્રણ ઘટના ઘટી હતી.
ગુજરાત પોલીસની મહેનત અને ચપળતાના કારણે ત્રણે શહેરોમાં આરોપીઓ પકડાઈ ગયા છે. બગસરા વિસ્તારમાં માનવભક્ષી દીપડાએ ૪૮ કલાકમાં ૩ હુમલા કરી બેનો ભોગ લીધો છે જ્યારે એકને ઇજા પહોંચી છે. આ સ્થિતિમાં મુખ્યમંત્રી રૂપાણીએ પ્રતિક્રિયા આપી કે ‘બગસરામાં માનવભક્ષી દીપડાને પકડવા ૫૦થી વધુ લોકોની ટીમ કામે લાગી છે અને દીપડાને ઝડપી પાડવા માટે અમે કટિબદ્ધ છે.