Western Times News

Gujarati News

રાજ્ય સરકાર મ્યુકોરમાઇકોસીસને ડેન્જરસ ડીસીઝ કેમ જાહેર નથી કરતી : કોંગ્રેસ

અમદાવાદ: કોરોનામાંથી સાજા થયા બાદ હવે અમદાવાદ સહિત રાજ્ય ભરમાં મ્યુકોરમાઇકોસીસના કેસ વધી રહ્યા છે. આ રોગના દર્દીઓને પૂરતા પ્રમાણમાં ઈન્જેકશન પણ મળતા નથી ત્યારે રાજ્ય સરકારે દર્દીઓને રામ ભરોસે મૂકી દીધા હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. રાજસ્થાન, હરિયાણા, મહારાષ્ટ્ર જેવા રાજ્યોએ આ બીમારીને મહામારી જાહેર કરી દીધી છે ત્યારે ગુજરાત સરકાર મ્યુકોરમાઇકોસીસને ડેન્જરસ ડીસીઝ કેમ જાહેર નથી કરતી? તેવા સવાલ કોંગ્રેસએ ઉઠાવ્યા છે.

કોરોના બાદ હવે મ્યુકોરમાઇકોસીસ રાજ્યભરમાં હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે વધતા કેસને લઇ કોંગ્રેસ આક્રમક બન્યું છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, અન્ય રાજ્યોએ કેસ વધતા મહામારી જાહેર કરી છે. રાજસ્થાન, હરિયાણા અને મહારાષ્ટ્રે  કોરમાઈકોસીસને મહામારી જાહેર કરી છે ત્યારે ગુજરાત સરકારે ઈન્જેકશન ખરીદવા આજે હજુ ટેન્ડર બહાર પાડ્યા છે. ગુજરાત સરકાર મ્યુકોરમાઇકોસીસને ડેન્જરસ ડીસીઝ કેમ જાહેર નથી કરતી. બીજા રાજ્યોને માર્ગદર્શન આપવાની વાત કરતી સરકાર ટેન્ડર હજુ હવે જાહેર કરે છે.

મનીષ દોશીએ કહ્યું હતું કે કોરોના મહામારીમાં પહેલા તબક્કામાં કેસ વધ્યા ત્યાર બાદ બીજા તબક્કામાં કોરોના મહામારીમાં લોકોએ હાલાકી ભોગવી, મૃત્યુઆંક વધ્યો તોય સરકાર સુધારવાનું નામ લેતી નથી. મુખ્યમંત્રી જે જગ્યાએથી પ્રતિનિધિત્વ કરે છે તેવા રાજકોટમાં બ્લેક ફંગસના મોટાપાયે કેસ આવ્યા છે. રાજકોટમાં દર્દીઓને સારવારના નામે હેરાનગતિ થઈ છે. આનાથી અસંવેદનશીલ સરકાર બીજી હોઈ ન શકે. ટેન્ડરના નામે નાટક કરવાની જગ્યાએ ઈન્જેકશન સરકાર સીધી ખરીદી કેમ નથી કરતી? દર્દીઓના સગાને ઈન્જેકશન મળતા નથી અને દર્દીઓને રામ ભરોસે મુકી દીધા.

મહત્વનું છે કે કોરોના મહામારીમાં બીજા લહેરમાં રેમડેસિવીર ઈન્જેકશનના કાળાબજારી, સંગ્રહખોરી, નકલી ઈન્જેકશન, ઓક્સિજન લોકોને ન મળે, વેન્ટિલેટર બેડ ન મળે, હોસ્પિટલમાં બેફામ લૂંટ થાય એ બધું સરકારની રહેમનજર હેઠળ થયાનો આક્ષેપ પણ કોંગ્રેસે લગાવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.