રોડ સેફ્ટી વર્લ્ડ સીરીઝના ૪ ખેલાડી અત્યાર સુધી સંક્રમિત થઈ ચૂક્યા છે
નવીદિલ્હી: રોડ સેફ્ટી વર્લ્ડ સીરીઝ ભારતીય ખેલાડીઓ માટે મુસીબત બની ગઈ છે. અત્યાર સુધી ૪ ભારતીય ખેલાડી કોરોના પોઝિટિવ થઈ ચૂક્યા છે. ઈરફાન પઠાણે પોઝિટિવ હોવાની વાત કહી. આ પહેલા સચિન તેંડુલકર, યૂસુફ પઠાણ અને એસ. બદ્રીનાથ પોઝિટિવ થઈ ચૂક્યા છે. આ તમામ ખેલાડીઓ રાયપુરમાં આયોજિત ટૂર્નામેન્ટમાં સામેલ થયા હતા.
ઈરફાન પઠાણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, મારો કોવિડ-૧૯ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે અને મને કોઈ લક્ષણ નથી. મેં મારી જાતને આઇસોલેટ કરી દીધી છે અને ઘરે જ ક્વૉરન્ટિનમાં છું. હું તમામ લોકોને આગ્રહ કરું છું કે જે લોકો છેલ્લા કેટલાક દિવસમાં મારા સંપર્કમાં આવ્ય હતા તેઓ ટેસ્ટ કરાવી લે. તમામ માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે.
સચિન તેંડુલકર છત્તીસગઢના રાયપુરમાં આયોજીત કરવામાં આવેલી રોડ સેફ્ટી વર્લ્ડ સીરીઝમાં ટાઇટલ જીતનારી ઈન્ડિયા લેજન્ડ્સના કેપ્ટન હતા. આ ટૂર્નામેન્ટમાં ૬ દેશોના ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેમાં ભારત ઉપરાંત વેસ્ટ ઇન્ડિઝ, શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ અને ઈંગ્લેન્ડની ટીમો સામેલ હતી. ફાઇનલમાં ભારતે શ્રીલંકાને હરાવ્યું હતું. ટીમે સમગ્ર ટૂર્નામેન્ટમાં માત્ર એક મેચ હારી હતી.
ગયા વર્ષે કોરોનાના કારણે મુંબઈમાં માત્ર ચાર મેચ રમાઈ હતી. ત્યારબાદ આ વર્ષે આ ટૂર્નામેન્ટ રાયપુરમાં આયોજીત કરવામાં આવી હતી.
ટીમમાં સામેલ અન્ય ખેલાડીઓની વાત કરવામાં આવે તો વીરેર્ન્ર સહવાગ, મનપ્રીત ગોની, મુનાફ પટેલ, યુવરાજ સિંહને લઇને અત્યાર સુધી કોઈ અપડેટ નથી. ચાર ખેલાડીઓ પોઝિટિવ આવ્યા બાદ તમામ ખેલાડી તપાસ હેઠળ છે. એવામાં આયોજક તમામ ખેલાડીઓના સંપર્કમાં છે. સૌથી પહેલા સચિને પોઝિટિવ હોવાની પુષ્ટિ કરી હતી.