લગ્નના પાંચ વર્ષે પ્રેમી માટે પત્નીએ પતિની હત્યા કરાવી
વિશાખાપટનમ: પ્રેમ આંધળો હોય છે અને પ્રેમ અને યુદ્ધમાં કઈ પણ થઈ શકે છે… આવી વાતો તમે અનેકવાર સાંભળી હશે. પરંતુ પાછલા કેટલાક સમયથી પ્રેમલીલાઓ એટલી હદ સુધી છીછરી બની રહી છે કે પોતાના પ્રેમને પામવા માટે બીજાને રસ્તાનો કાંટો સમજીને હટાવી દેવામાં કશું ખોટું નથી સમજતા. પ્રેમ પ્રકરણમાં હતા હિંસક અને હત્યાના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે. આવામાં લગ્ન પછીના પ્રેમ પ્રકરણ લોહિયાળ સાબિત થઈ રહ્યા છે. આવો જ એક કિસ્સો બંગાળની ખાડીમાં આવેલા આંધ્રપ્રદેશ રાજ્યના વિશાખાપટનમમાં બની છે.
વિશાખાપટનમમાં બનેલી ઘટનામાં પરિણીતાએ લગ્નના ૫ વર્ષ પછી પ્રેમી તરફ આકર્ષણ વધી જતા પોતાના પતિને પ્રેમનો કાંટો માનીને પતાવી દીધો છે. પરિણીતાએ પોતાના પતિની હત્યામાં પ્રેમીનો સાથ આપ્યા બાદ પોલીસને ઊંધા પાટે ચઢાવવાના પ્રયત્નો કર્યા હતા, જાેકે, પોલીસે ઊંડી તપાસ કરતા આખરે પતિની હત્યા માટે પત્ની અને તેનો પ્રેમી જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. વિશાખાપટનમની પીએમ પાલેમ પોલીસે પ્રેમ પ્રકરણના લીધે યુવકની હત્યા કરાઈ હોવાનો ભેદ ઉકેલી નાખ્યો છે. સતિષ કોની નામના યુવકનું શંકાસ્પદ હાલતમાં મોત થઈ ગયું હતું. ૧૩ જુલાઈના રોજ બનેલી હત્યાની ઘટનામાં પોલીસ દ્વારા રામ્યા કોની અને તેના પ્રેમી બાશા શેખની ધરપકડ કરી લેવામાં આવી છે.
વિશાખાપટનમની રહેવાસી રામ્યાના લગ્ન વર્ષ ૨૦૧૫માં એલુરુના સતિષ સાથે થયા હતા. લગ્ન પછી રામ્યા દુબઈ ગઈ હતી જ્યાં સતિષ કામ કરતો હતો. આ બન્નેની એક દીકરી અને દીકરો પણ છે.
વર્ષ ૨૦૧૯માં જ્યારે રામ્યા પ્રેગનેન્ટ થઈ તો તે દુબઈથી વિશાખાપટનમથી દીકરીને લઈને પરત આવી ગઈ હતી. અહીં તેણે દીકરાને જન્મ આપ્યો હતો. ફેબ્રુઆરી ૨૦૨૧માં સતિષ પણ પત્ની પાસે વિશાખાપટનમ પરત આવી ગયો હતો. પોતાની ચોરી પકડાઈ ના જાય તે માટે રામ્યાએ પોલીસ તપાસમાં જણાવ્યું હતું કે, જ્યારે તે પરિવારના ચાર સભ્યો ૧૩ જુલાઈની સાંજે ચાલવા માટે નીકળ્યા હતા ત્યારે સતિષ અચાનક રસ્તા પર ઢળી પડ્યો હતો. જ્યાં તેના માથામાં ગંભીર ઈજા થઈ હતી અને ત્યાંથી એક વ્યક્તિ ફરાર થઈ ગઈ હતી. રામ્યાએ સુધાકર રેડ્ડી નામના શખ્સ પર શંકા વ્યક્ત કરીને જણાવ્યું હતું કે તેને સતિષની હત્યા કરી હોઈ શકે છે કે કારણ કે બન્ને વચ્ચે રૂપિયાને લઈને કોઈ ડખો પડ્યો હતો.
એમપી પાલેમ પોલીસે તપાસ કરી તો કંઈક નવી જ ચોંકાવનારી ઘટના સામે આવી હતી. પોલીસે તપાસ્યું તો જાણવા મળ્યું કે, બાશા શેખ નામનો વ્યક્તિ અને રામ્યા સ્કૂલમાં જાેડે ભણતા હતા, આ બન્ને વચ્ચે પહેલા સંબંધ હતો. પરંતુ લગ્ન પછી બન્ને એક બીજાના સંપર્કમાં નહોતા રહ્યા.
જાેકે, વર્ષ ૨૦૧૯માં જ્યારે એક સ્કૂલમાં સાથે ભણતા લોકોનું એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું તો રામ્યા અને બાશા ફરી એકબીજાના સંપર્કમાં આવ્યા અને તેમનો પોતાનો જૂનો પ્રેમ ફરી યાદ આવવા લાગ્યો હતો. રામ્યા દુબઈથી વિશાખાપટનમ આવી પછી પતિ દુબઈમાં હોવાથી આ બન્ને ફરી એકબીજાને મળવા લાગ્યા હતા અને તેમના પ્રેમ ફરી એકવાર ગળાડૂબ થયા હતા.
પણ, રામ્યા અને બાશા તેમના પ્રેમમાં ડૂબેલા હતા તેવામાં રામ્યાનો પતિ દુબઈથી વિશાખાપટનમ પરત આવી જતા બન્નેનું મળવાનું બંધ થઈ ગયું હતું. આવામાં રામ્યાના બોયફ્રેન્ડે ભાગી જવાનો પ્લાન સુઝવ્યો પણ રામ્યા તૈયાર ના થઈ. આ પછી બન્નેએ રામ્યાના પતિને લગ્ન જીવનમાં દગો મળ્યો હોવાનું દર્શાવવા માટે મેસેજ અને ફોટોગ્રાફ મોકલ્યા હતા, પરંતુ સતિષે પોતાની પત્ની રામ્યાને છોડવાનો ઈનકાર કરી દીધો હતો. આ પછી રામ્યા અને બાશાએ સતિષને પતાવી દેવાનો પ્લાન બનાવીને સુધાકરણ તેમાં ફસાવાની યોજના ઘડી હતી. પોતે બનાવેલા પ્લાન પ્રમાણે સતિષ તેની પત્ની અને બાળકો સાથે સાંજે ચાલવા માટે નીકળ્યો હતો ત્યારે તેની પત્ની બાળકોને લઈને આગળ ચાલતી હતી અને પાછળથી બાશાએ સતિષના માથામાં લોખંડનો સળિયો મારીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
પોલીસે આ કેસમાં મૃતકની પત્ની રામ્યા અને તેના પ્રેમી બાશા શેખની ધરપકડ કરી લીધી છે અને વધારે પૂછપરછ કરવામાં આવી રહી છે. માએ ભરેલા પગલાના કારણે બાળકોએ બાપની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે અને પ્રેમમાં બાશા અને રામ્યાએ ભરેલા પગલાના લીધે એક નહીં બે પરિવારોને પસ્તાવાનો વારો આવ્યો છે.