લગ્નમાં સૂટ-બૂટમાં આવેલા બે ગઠિયાઓ ભેટ સોગાદોનો થેલો લઈ ફરાર
ડ્રોન કેમેરાના આધારે માલુમ પડ્યું, બે ગઠિયાઓ થેલો લઈને જાય છે, તપાસ હાથ ધરાઈ
વડોદરા, વડોદરા શહેર અને રાજયભરમાં લગ્નસરાની મોસમ પુરબહારમાં ખીલી છે. વિદેશોમાં વસતા ગુજરાતના એનઆરઆઈ મોટી સંખ્યામાં ભારત આવે છે. તેવામાં વડોદરા શહેરના આજવા રોડ પર આવેલ ભાઈકાકા પાર્ટી પ્લોટમાં યોજાયેલ એનઆરઆઈના લગ્નમાં બે ગઠિયાઓ સૂટ-બૂટમાં સજ્જ થઈ લગ્નમાં સામેલ થઈ જઈ લગ્ન પ્રસંગે વર-વધૂને મળેલી કિંમતી ભેટ-સોગાદો સહિતનો માલ-મત્તાનો ભરેલો થેલો ચોરી લઈને નવ દો ગ્યારહ થઈ ગયા હતા.
આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરા અને ડ્રોન કેમેરામાં કેદ થઈ જતાં પોલીસે આ બંન્ને અજાણ્યા ગઠિયાઓની શોધખોળ આરંભીને ગઠિયાઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
વિગતો જાેતા શહેરના આજવા રોડ પરના ભાઈકાકા પાર્ટી પ્લોટમાં વિદેશથી આવેલા પરિવાર દ્વારા લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. લગ્ન પ્રસંગમાં આમંત્રિત મહેમાનો અને પરિવારના સભ્યો સુટ-બુટમાં આવ્યા હતા અને વર-કન્યાને લગ્નમાં ઉપસ્થિત લોકોએ આર્શિવાદ સાથે ભેટ- સોગાદો પણ આપી હતી.
આ લગ્નમાં મળેલ ભેટ-સોગાદો પરિવારના અંગત ઘરના જ સદસ્યને જવાબદારી સોંપી હતી અને ગીફટ અને ચાંલ્લાના કવરોની નોંધ કરીને સાવચેતીપૂર્વક સંભાળી હતી. પરંતુ તેઓ થોડીવાર માટે વર-વધૂની મુલાકાતે તેમનું સ્થાન છોડીને ગયા હતા
તે તકનો લાભ લઈને સુટ-બુટ સાથે જાનૈયાઓ સાથે ઘૂસી લગ્નમાં સામેલ થયેલા અજાણ્યા ગઠિયાઓ સ્ટેજ નજીક પહોંચી જઈ તમામની નજર ચુકવીને લગ્ન પ્રસંગે મળેલ કિંમતી ભેટ- સોગાદોનો થેલો લઈને નવ દો ગ્યારહ થઈ ગયા હતા.