Western Times News

Gujarati News

લદ્દાખમાં પરિસ્થિતિ ૧૯૬૨ કરતાં પણ ગંભીર: જયશંકર

નવી દિલ્હી, લદ્દાખમાં સ્થિતિ અત્યંત સ્ફોટક હોવાનો સ્વીકાર વિદેશમંત્રી એસ જયશંકરે કર્યો છે. વિદેશ મંત્રી જયશંકરે પહેલીવાર ભારત-ચીન તનાવ અંગે બોલતાં સ્વીકાર્યું હતું કે લદ્દાખ સરહદ પર પરિસ્થિતિ ગંભીર છે. ૧૯૬૨ પછી અને ખાસ તો છેલ્લાં ૪૫ વર્ષમાં પહેલીવાર આપણા જવાનો શહીદ થયા હતા. સ્થિતિ ધાર્યા કરતાં વધુ ગંભીર હતી.  તેમણે કહ્યું કે લાઇન ઑફ કન્ટ્રોલ પર બંને દેશના લશ્કરી જવાનો મોટી સંખ્યામાં હાજર હતા. તેમણે લદ્દાખ મોરચે ભારતના વલણને સ્પષ્ટ કરતાં કહ્યું કે સમાધાનની ફોર્મ્યુલા બંને પક્ષને સરખી રીતે લાગુ પડતી હોવી જોઇએ. ભારત એકપક્ષી સમાધાન નહીં સ્વીકારે.

તેમણે ઉમેર્યું કે છેલ્લા એક દાયકામાં ચીન સાથે ઘણીવાર સંઘર્ષ થયો હતો. ડેપસાંગ, ચૂમર અને ડોકલામ નામના સ્થળે સરહદી વિવાદ થતો રહ્યો હતો. હાલનો સંઘર્ષ એ તમામ સંઘર્ષો કરતાં જુદા પ્રકારનો છે. જો કે તમામ વિવાદોનો એક નિષ્કર્ષ હતો કે સમાધાન કૂટનીતિ દ્વારા થવું જોઇએ. લડાઇથી બંને પક્ષને વધતું ઓછું નુકસાન થવાનું જ હતું. જો કે આપણે કૂટનીતિ અને લશ્કરી પગલાં બંને રીતે ચીન સાથેના મામલાને હલ કરી રહ્યા છીએ. ભારત-ચીન સંબંધ વિશે બોલતાં તેમણે કહ્યું કે આ બંને દેશો હાથ મિલાવીને કામ કરે તો આ આખી સદી એશિયાની હશે. આ બે પાડોશી વચ્ચે સુમેળ રહે એ સૌના હિતમાં છે. કેટલીક સમસ્યા બંને પક્ષે છે એ હકીકત હું સ્વીકારું છું. અત્યાર અગાઉ ચીફ ઑફ ડિફેન્સ જનરલ બિપિન રાવત કહી ચૂક્યા હતા કે ચીન સાથેની આપણી વાટાઘાટો નિષ્ફળ જાય અને જરૂર પડે તો આપણે લશ્કરી પગલાં માટે પણ તૈયાર છીએ.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.