લોકડાઉનનો ભંગ કરનારને ૩ કિમી દોડાવાતાં કીડની ફેલ
ઉદયપુર: લોકડાઉનનું પાલન કરાવવામાં પોલીસે વધારે પડતી કડકાઈ બતાવતા એક વ્યક્તિની કિડની ફેલ થઈ ગઈ છે. આ ઘટના રાજસ્થાનની છે, જેમાં એક વ્યક્તિને પોલીસે ૧૦૦ ઉઠબેસ કરાવવાની સાથે ખાલી પેટે ત્રણ કિલોમીટર દોડાવતા તેને પેશાબ થવાનો બંધ થઈ ગયો હતો. જેથી તેને હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં ડૉક્ટરે જણાવ્યું હતું કે દર્દીની કિડનીને ભયાનક ડેમેજ થયું છે.
ઉદયપુર જિલ્લાના રહેવાસી મીઠાલાલ પ્રજાપતિ ઉદયપુરના અયાદમાં દૂધની ડેરી ચલાવે છે. તેઓ ૨૫મી મેના રોજ સરકારે મંજૂરી આપી હતી તેટલા સમય બાદ પોતાની દુકાન બંધ કરી રહ્યા હતા તે વખતે તેમને ત્યાં કેટલાક પોલીસવાળા પહોંચ્યા હતા. મીઠાલાલને પોલીસ જબરજસ્તી ઉઠાવીને ક્વોરન્ટાઈન સેન્ટરમાં લઈ ગઈ હતી. મીઠાલાલે પોલીસને જણાવ્યું હતું કે તેઓ દુકાન બંધ જ કરી રહ્યા હતા, પરંતુ પોલીસે તેમનું કશુંય નહોતું સાંભળ્યું.
બીજા દિવસે તેમનો આરટીપીસીઆર ટેસ્ટ કરાવાયો હતો અને તેમની માફક જે બીજા લોકોને ત્યાં લવાયા હતા તે તમામ લોકોને ૧૦૦ ઉઠબેસ કરાવાઈ હતી. તે વખતે મીઠાલાલે પોતે ઉઠબેસ નહીં કરી શકે અને જેટલો થાય તેટલો દંડ ભરવા તૈયાર છે તેમ કહેતા કોન્સ્ટેબલ ગુરુ દયાલે તેને ગાળો ભાંડી હતી. ઉઠબેસ કરાવાયા બાદ મીઠાલાલને ભૂખ્યા પેટે ત્રણ કિમી દોડાવાયો હતો.
બીજા દિવસે સાંજે ભૂરેલાલનો રિપોર્ટ નેગેટિવ આવતા તેને છોડી મૂકાયો હતો. જાેકે, તે ઘરે આવ્યો ત્યારે તેની તબિયત લથડી હતી અને તેને પેશાબ આવતો બંધ થઈ ગયો હતો. જેથી તેના પરિવારજનો તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈને દોડી ગયા હતા.