Western Times News

Gujarati News

કુબેરનગર પોલીસ ચોકીનાં સમારકામની જવાબદારી પણ બુટલેગરોના માથે આવી

પાંચ બુટલેગરો દ્વારા ચોકીનાં સમારકામ કલરકામ તેમજ ફર્નિચરનું કામ કરાવવાની જવાબદારી લીધી છે. ચોકીનો ખર્ચ આશરે બે લાખ ઉપરનો છે.

અમદાવાદ, તૌકતે વાવાઝોડાને કારણે ઠેર ઠેર નુકસાન થયુ છે ત્યારે અમદાવાદના સરદારનગર પોલીસ સ્ટેશનના નેજા હેઠળ આવતી કુબેરનગર પોલીસ ચોકીને પણ વધુ નુકસાન થયુ છે. કુબેરનગર ચોકીમાં રાત દિવસ મોટાભાગના બુટલેગરોની બબાલ આવતી હોવાથી તે ચોકી વિવાદોમાં રહી છે.

આ ચોકીના રિનોવેશનનો ખર્ચો કુબેરનગરના બુટલેગરોએ પોતાના માથે લઇ લીધો છે. પોલીસ પાસે આટલું ફંડ હોવા છતાંય રિનોવેશનની આશા બુટલેગરો પાસેથી રાખતાં અને વિવાદ સર્જાયા છે.

શહેરના સરદારનગર અને કુબેરનગર વિસ્તારમાં દિવ-દમણ કહેવામાં આવે છે. કુબેરનગર વિસ્તારમાં જાેઇએ એટલો દારૂ મળી રહે છે અને નવાઇની વાત એ છે કે જેમ બાહ હોય તેવી રીતે લોકો પોતાના ઘરમાં બાર બનાવી લીધા છે અને ત્યાં દારૂ પીવાની સુવિધા આપે છે. સરદારનગર પોલીસ સ્ટેશનમાં મોટાભાગે દારૂના કેસો આવતા હોય અથવા તો બુટલેગરો ઝઘડ્યા હોવાના કેસો આવે છે. વિસ્તારમાં દેશી, વિદેશી અને સટ્ટા બેટિંગ અને જુગારધામ અડ્ડા લાસ વેગાસની જેમ રાઉન્ડ ધ ક્લોક ધમધમી રહ્યા છે.

પોલીસ, વિજિલન્સ કે પછી પીસીબી કુબેરનગરમાં દારૂનો કેસ કરે તો પહેલાં તમામને મુદ્દામાલ સાથે કુબેરનગર પોલીસ ચોકીમાં લઇ જવામાં આવે છે ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી કરીને પોલીસ સ્ટેશનમાં લઇ જવાય છે. પોલીસ કુબેરનગર ચોકીમાં કાર્યવાહી કરે ત્યારે બુટલેગરોના સંબંધી અનેક બબાલ કરવા પણ પહોંચી જતા હોય છ. ખખડેલી કુબેરનગર પોલીસ ચોકીને તૌકતે વાવાઝોડાએ વધુ ખખડધજ બનાવી દીધી હતી.

કુબેરનગર પોલીસ ચોકી પહેલા અહીં બાળકોને ભણાવવા માટે સરકારી છારાનગર પ્રાથમિક શાળા હતી. પરંતુ ૨૦૦૧માં ભૂકંપ આવતા શાળાની ઇમારતને નાનકડું નુકસાન થયુ હતું. આ શાળાનું સમારકામ કરવને બદલે રાજ્ય સરકારે કુબેરનગર પોલીસ ચોકી ઊભી કરી દીધી હતી. બે દાયકાથી આ કુબેરનગર ચોકી આવેલી છે.

જેની હાલત અત્યંત ખરાબ છે. તાજેતરમાં આવેલા વિનાશકારી વાવાઝોડામાં કુબેરનગર પોલીસ ચોકીનાં છાપરા ઊડી ગયા હતા અને વરસાદના કારણે ચોકીમાં પાણી ભારઇ ગયુ હતુ. ચોકીને સમારકામની જરૂર હોવાથી બુટલેગરો મદદ માટે દોડી આવ્યા હતા અને બે લાખ રૂપિયાના ખર્ચે ચોકીનું સમારકામ કરાવ્યું હોવાની ઊઠી હતી.

આ વિસ્તારના નામચીન પાંચ બુટલેગરો દ્વારા ચોકીનાં સમારકામ કલરકામ તેમજ ફર્નિચરનું કામ કરાવવાની જવાબદારી લીધી છે. ચોકીનો ખર્ચ આશરે બે લાખ ઉપરનો છે. અત્રે ઉલ્લેખનીય છે કે જાે કોઇ માસ્ક ના પહેરે તો પોલીસ એક હજાર રૂપિયાનો દંડ કરે છે. આ સિવાય પોલીસે પ્રજા પાસે દંડના નામે કરોડો રૂપિયા ભેગા કરી લીધા છે ત્યારે પોલીસના ફંડમાંથી આ ચોકીનું રિનોવેશન થવાની જગ્યાએ બુટલેગરોએ આ ચોકીનું રિનોવેશન કરાવતા અનેક તર્કવિતર્કો સર્જાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.