લોકડાઉનમાં રિયાના ઘરે ૫૦૦ ગ્રામ ગાંજો મોકલાયો
મુંબઈ: સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે ડ્રગ્સ ચેટ સામે આવ્યા બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની તપાસ મહત્વની બની ગઈ છે. એનસીબીને તપાસ દરમિયાન જાણકારી મળી છે કે, લોકડાઉન દરમિયાન સુશાંત થોડા દિવસ રિયા ચક્રવર્તીના ઘરે વિતાવવા માગતો હતો. જેના માટે સુશાંત અને રિયાએ એક ફાસ્ટ ડિલિવરી કુરિયર કંપની દ્વારા મેરુઆના (ગાંજો) એક્ટ્રેસના ઘરે મોકલાવ્યો હતો.
પૂછપરછ દરમિયાન આ વાતની પુષ્ટિ થઈ છે. એક મીડિયા રિપોર્ટ મુજબ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની પૂછપરછમાં રિયા ચક્રવર્તી, શોવિક અને અન્યોના નિવેદનો પરથી જાણવા મળ્યું કે, એપ્રિલમાં સુશાંત અને રિયાએ ઘરના અમુક સામાન સાથે ૫૦૦ ગ્રામ ગાંજો પણ રિયાના ફ્લેટ પર મોકલાવ્યો હતો.
તપાસમાં સામે આવ્યું છે કે, કુરિયર સુશાંતના ઘરે કામ કરતા દીપેશ સાવંતે મોકલ્યું હતું. કુરિયર કંપનીને દીપેશે રિયાના સાંતાક્રૂઝના ફ્લેટનું એડ્રેસ આપ્યું હતું અને ત્યાં મોકલવાનું કહ્યું હતું. ફ્લેટ પર રિયાના ભાઈ શોવિકે આ કુરિયર લીધું હતું. પૂછપરછમાં રિયાએ એનસીબીને જણાવ્યું કે, સુશાંત અને તેને કોઈ પકડી ના શકે માટે આ રીતે કુરિયરમાં ગાંજાનું પેકેટ મોકલવાનું નક્કી કરાયું હતું.
એનસીબીએ આ મામલે રિયાના ઘરે પેકેટની ડિલિવરી કરનારા કુરિયર બોયની પણ પૂછપરછ કરી છે. કુરિયર બોયે દીપેશ સાવંત અને શોવિક ચક્રવર્તીને ઓળખી લીધા છે. શોવિક અને દીપેશના મોબાઈલમાંથી કુરિયર બોય સાથે થયેલી વાતની કોલ ડિટેલ્સ પણ મળી આવી છે. ઉલ્લેખનીય છે કે, પ્રવર્તન નિદેશાલયની તપાસમાં શોવિક અને રિયાના મોબાઈલમાંથી ડ્રગ્સ ચેટ સામે આવ્યા બાદ આ મામલો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોને સોંપાયો હતો. લાંબી પૂછપરછ બાદ એનસીબીએ રિયા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી, દીપેશ સાવંત, સેમ્યુઅલ મિરાન્ડા, જૈદ વિલાત્રા અને બાસિત પરિહારની ડ્રગ્સ ખરીદ-વેચાણના મામલે ધરપકડ કરી હતી. શુક્રવારે તમામ ૬ આરોપીઓની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી.
રિયાને ૨૨ સપ્ટેમ્બર સુધી જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવી છે અને તે હાલ ભાયખલા જેલમાં છે. રિયાની જામીન અરજી ફગાવ્યા બાદ તેના વકીલ સતીશ માનેશિંદેએ કહ્યું કે, તેઓ આવતા અઠવાડિયે હાઈકોર્ટમાં ફરીથી અરજી કરશે. મહત્વનું છે કે, ડ્રગ્સ કેસમાં પકડાયેલા રિયા અને શોવિકની જામીન અરજી અત્યાર સુધીમાં બે વખત ફગાવી દેવાઈ છે.