વડાપ્રધાનનું નવું બોઈંગ વિમાન મિસાઈલ ડિફેન્સ સિસ્ટમથી સજ્જ
અમેરિકાના પ્રમુખના એરફોર્સ વન જેવું વિમાન સુરક્ષા અને કમ્યુનિકેશનની આધુનિક પદ્ધતિ સાથે કામ કરે છે
નવી દિલ્હી, ભારતના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ દ્વારા ઉપયોગમાં લેવાનારું એર ઈન્ડિયા વન નામથી વિશેષરૂપે તૈયાર થયેલું વિમાન બોઈંગ૭૭૭-૩૦૦ આગલા સપ્તાહે દિલ્હીમાં ઉતરાણ કરશે, તેમ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. સંરક્ષણ વિભાગમાંથી મળેલી જાણકારી અનુસાર પહેલું વિમાન આવતા સપ્તાહે લેન્ડ કરશે જ્યારે બીજું વિમાન આ વર્ષના અંત સુધીમાં આવી જશે.
આ વિમાનની પોતાની મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ છે, જેને લાર્જ એરક્રાફ્ટ ઈન્ફ્રારેડ કાઉન્ટર મેજર્સ તરીકે ઓળખાવાય છે. આ સાથે જ આ વિમાન સેલ્ફ પ્રોટેક્શન સ્વીટ્સ અને અત્યાધુનિકસ કમ્યુનિકેશન સિસ્ટમ પણ ધરાવે છે. તેનું સંચાલન ભારતીય વાયુસેના કરવાની છે.
જોકે, વિમાન એર ઈન્ડિયાના નામે ગણાશે. આઈએએફને હવાલે કરી દેવાય તે પછી આ તેનું કોલ સાઈન એર ઈન્ડિયાથી બદલીને એરફોર્સ વન કરી દેવાશે. અમેરિકામાં પ્રમુખ માટે પણ આ જ નામનું વિમાન વપરાય છે. એર ઈન્ડિયા, વાયુસેના અને સુરક્ષા એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓની એક ટીમ આ માટે કામ કરી રહી છે. આ વિમાન પર અશોકના પ્રતીક ઉપરાંત ભારત અને ઈન્ડિયા લખેલું હશે.
હાલમાં લાંબી યાત્રા કરવાની હોય તો ભારતના વીવીઆઈપીઓ એર ઈન્ડિયાના બોઈંગ ૭૪૭નો ઉપયોગ કરે છે. પણ તે સળંગ દસ કલાક સુધી જ ઉડી શકે તેવી તેની ક્ષમતા છે. નવું વિમાન સળંગ ૧૭ કલાક સુધી હવામાં ઉડી શકે તેવું છે. વીઆઈપીઓની ટૂંકી યાત્રા માટે વાયુસેનાના કમ્યુનિકેશન સ્ક્વોડ્રનના બોઈંગ બિઝનેસ જેટ અને એમબ્રેયર એક્ઝિક્યુટિવ જેટ વિમાનોનો ઉપયોગ કરવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ વિમાનનો ઉપયોગ ફક્ત વીઆઈપીઓ માટે જ કરાશે. આ વિમાનની ખાસિયત એ છે કે તેમાં તમામ સુરક્ષિત કમ્યુનિકેશન રાખવામાં આવ્યું છે જે હેક થઈ શકે તેમ નથી. વિમાનમાં વીઆઈપી માટે એક મોટી કેબિન, નાનો મેડિકલ સ્ટોર, કોન્ફરન્સ રૂમ અને પાયલટ માટેની બેઠક વ્યવસ્થા બનાવવામાં આવી છે.
એર ઈન્ડિયા વન સેલ્ફ પ્રોટેક્શન સૂઈટ સાથેનું રહેશે, જે દુશ્મનની રડાર ફ્રિકવન્સી જામ કરી શકે છે. હીટ સિકિંગ મિસાઈલ્સનો મોડ બદલી શકે છે અને મધ્યમ રેન્જની મિસાઈલને રોકી શકે છે. આ તમામ કામ ક્રૂની દખલ વિના કરી શકાય છે.