Western Times News

Gujarati News

અમદાવાદ શહેરને જોડતા માર્ગો પર જ કોરોનાના નિદાનનો અભિનવ પ્રયોગ

File

શહેરની સરહદના સંત્રી એવા કોરોના વોરિયર્સને પ્રતાપે અમદાવાદ શહેર બન્યું સુરક્ષિત
૨૫ વર્ષના ડો. શરદ ગોહિલ નિગરાનીમાં ૨૫ હજારથી વધુ કોરોના ટેસ્ટિંગ થયા -ડો. ગોહિલ પોતે કોરોનાગ્રસ્ત થવા છતાં માત્ર ૭ દિવસમાં ફરીથી પોતાની ફરજ પર જોડાયા

અમદાવાદ, કોરોનાએ સમગ્ર વિશ્વમાં તેનો હાહાકાર મચાવ્યો છે…. રોજે- રોજ નવાનવા તબીબી અહેવાલો વચ્ચે કોરોના ક્યારે ઘરના આંગણે દસ્તક દેશે તે કળવું મુશ્કેલ છે. આપણે આપણાં ઘરને બચાવવા માટે એટલે આપણી જાતને તથા ઘરના સભ્યોને બચાવવા માટે માસ્ક, સેનેટાઇઝેશન અને સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા વિવિધ ઉપાયો અજમાવીએ છીએ. પરંતુ આ શહેરમાં બહારથી જે પણ મુસાફરો આવે છે તેમનામાં કોરોનાના કોઇપણ લક્ષણો નહીં હોય તેની કોઇ ગેરંટી આપી શકે તેમ નથી.

તેથી શહેરમાં પ્રવેશતા પ્રત્યેક આગંતુકને અમદાવાદમાં પ્રવેશતા તેમનું ટેસ્ટિંગ થાય તે જરૂરી છે. તેની ગંભીરતા પારખીને રાજ્ય સરકાર દ્વારા સનાથલ ચોકડી કે જે સૌરાષ્ટ્રમાંથી શહેરમાં પ્રવેશવાનો મુખ્ય માર્ગ છે. આથી છેલ્લા ૩૫ દિવસથી આ ચોકડી પર કોરોનાનું ટેસ્ટિંગ કર્યા બાદ જ મુસાફરોને શહેરમાં પ્રવેશ આપવામાં આવે છે.

અહીંયા ટેસ્ટિંગમાં કોરોના જણાય તો તુરંત જ દર્દીને નજીકના કોવિડ કેર સેન્ટર કે હોસ્પિટલમાં લઇ જવામાં આવે છે. આનાથી શહેરમાં કોરોનાનો પ્રવેશ થાય તે પહેલા જ તેને અટકાવી દેવામાં આવે છે. અત્યાર સુધીમાં આ સનાથલ ચોકડી પર રેપીડ એન્ટિજન કીટ દ્વારા ૨૮ હજારથી વધુ મુસાફરોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જેમાં અત્યાર સુધીમાં ૨૮૦ જેટલા લોકો કોરોના પોઝિટિવ જણાયા છે.

આજ રીતે ધોળકાથી અમદાવાદમાં પ્રવેશતા માર્ગ પર બાકરોલ ખાતે ઉભી કરાયેલ કોરોના ચોકી ખાતે રેપીડ એન્ટિજન કીટ દ્વારા ૧૦ હજારથી વધુ મુસાફરોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જેમાં અત્યાર સુધીમાં ૧૦૦ જેટલા લોકો કોરોના પોઝિટિવ જણાયા છે. વિચારો કે જો આટલાં ટેસ્ટિંગ દ્વારા કરવામાં ન આવ્યા હોત અને આ પોઝિટિવ દર્દીઓ તપાસ વગર જ અમદાવાદમાં પ્રવેશ પામ્યા હોત તો કેટલા લોકોને કોરોનાની ઝપટમાં લીધા હોત ?

રાજ્ય સરકાર દ્વારા આ અંગેની ગંભીરતા પારખી પહેલેથી જ આ માટેની ખાસ ચોકીઓ ઉભી કરીને ત્યાં ત્રણ જણાની બનેલી એક એવી ૭ ટીમો ગોઠવીને સઘન ટેસ્ટિંગ કરવામાં આવે છે. સરહદ પર જે રીતે સંત્રીઓ ખડે પગે રહી દેશનું રક્ષણ કરે છે તે જ રીતે અહીં રહેલા કોરોના વોરિયર શહેરનું રક્ષણ કરે છે. એ રીતે આ કોરોના વોરિયર એક યોધ્ધાથી જરા પણ કમ નથી.

આ સાથે તેમને મદદ કરવા માટે પોલીસ પણ ખડેપગે હોય છે. જેમ કે, સૌરાષ્ટ્ર તરફથી કોઇ બસ આવે છે તો બસને ચારરસ્તા પર કોઇને અડચણ ન થાય તે રીતે પાર્ક કરાવવી તથા મુસાફરોને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને વારાફરથી કોરોના ટેસ્ટિંગ માટે મોકલવા તે સહેલું કામ નથી. આ કામ કરતાં તેઓ પણ કોરોનાગ્રસ્ત થઇ શકે તેવું જોખમ તેમના પર તોળાતું હોય છે. આ બધા વચ્ચે કામગીરી કરવી તે ઘણી જોખમી હોવા સાથે પડકારજનક છે પરંત સંકલન અને સરકારની સજાગતાને લીધે આ બધું સહજ રીતે ગોઠવાઇ જાય છે.

આવા જ એક કોરોના વોરિયર છે ડો. શરદ ગોહિલ, માત્ર ૨૫ વર્ષના આ તરવરિયા યુવાન ડોક્ટર સનાથલ ચોકડી પર મુસાફરોના ટેસ્ટિંગ માટેની ટીમનું નેતૃત્વ કરે છે. તેઓ પણ સનાથલ ચોકડી ખાતે ફરજ બજાવતાં કોરોનાગ્રસ્ત થયા હતાં. તેઓ આ સાથે આનંદનગર ખાતે આવેલી કોવિડ કેર સેન્ટર ખાતે પણ ફરજ બજાવે છે.

તેઓ જ્યાં લોકોની સારવાર લેતાં હતાં, ત્યાં જ તેઓને સારવાર લેવાની ફરજ પડી હતી. આમ છતાં, તેઓ માત્ર ૭ જ દિવસમાં કોરોનાને હરાવી એક યોધ્ધાની જેમ ફરીથી પોતાની ફરજ પર જોડાઇ ગયા હતાં. આજે પણ તેઓ તેમની ટીમને સતત પ્રોત્સાહિત કરી લોકોની સેવામાં અડગ રીતે ઉભા રહે છે. તેઓ કહે છે કે, આવનાર પ્રવાસી પહેલા તો ટેસ્ટક કરાવવાથી ગભરાય છે પરંતુ સમજાવટથી માની જાય છે. આ અઘરું કામ છે પરંતુ આ મહામારીથી બચવાનો આ જ રસ્તો છે.

તેમને તેમના આ કામમાં આજુબાજુની કંપનીઓનો પણ સહયોગ મળી રહે છે. કોરોના ટેસ્ટિંગમાં રોકાયેલી ટીમને તેઓ તેમની એ.સી. ઓફિસમાં આવીને જમવાનું કહે છે. આ ઓફિસવાળાઓને પણ ખ્યાલ આવી ગયો છે કે આ ઇશ્વરીય કાર્ય છે અને આ કામમાં સહભાગી બનવું જોઇએ તેવો તેમનો ભાવ હોય છે.

તેમનો કોરોના વિશેનો ડર દૂર થતાં આજુબાજુની ૪ થી ૫ કંપનીના કર્મચારીઓનો કોરોના ટેસ્ટ આ ચોકીઓ ખાતે કરાવ્યો છે. આ કોરોના વોરિયરો દ્વારા તેમને સોંપાયેલ આ કામગીરી પોતાના જીવના જોખમે બજાવી છે. તેમની આ પ્રતિબધ્ધતાને કારણે જ આ નગર કોરોનાને મ્હાત આપતાં-આપતાં આગળ ધપી રહ્યું છે. વરસતાં વરસાદમાં પણ તેમની કામગીરી અટકી નથી. “ન ઝૂંકેગે, ન રૂકેંગે”ના મંત્ર સાથે મુસાફરોના પ્રવાસની સાથે-સાથે તેમની સફર પણ ચાલી રહી છે. તેમની આ સફરને કારણે જ અમદાવાદ શહેર નિરાંતનો શ્વાસ લઇ શકે છે. સલામ છે આ શહેરના સંત્રીઓને….તેમની કર્તવ્યપરાયણતાને….તેમના જુસ્સાને…. આલેખન :- સુનિલ પટેલ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.