Western Times News

Gujarati News

વડાપ્રધાને પુણે ખાતે દેહુમાં જગતગુરુ શ્રીસંત તુકારામ મહારાજ મંદિરનું ઉદ્ધાટન કર્યું

ભારત શાશ્વત છે કારણ કે તે સંતોની ધરતી છે: મોદી

પુણે, પીએમ નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના પુણે ખાતે દેહુમાં જગતગુરુ શ્રીસંત તુકારામ મહારાજ મંદિરનું ઉદ્ધાટન કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે મનુષ્ય જન્મમાં સૌથી દુર્લભ સંતોનો સત્સંગછે. સંતોની કૃપા અનુભૂતિ થઈ ગઈ તો ઈશ્વરની અનુભૂતિ આપોઆપ થઈ જાય છે. આજે દેહુની આ પવિત્ર તીર્થ ભૂમિ પર આવીને મને આવી જ અનુભૂતિ થઈ રહી છે.

પીએમ મોદીએ કહ્યું કે તાજેતરમાં થોડા મહિના પહેલા મને પાલકી માર્ગમાં ૨ રાષ્ટ્રીય રાજમાર્ગને ફોરલેન કરવા માટે શિલાન્યાસ કરવાની તક મળી હતી. શ્રી સંત જ્ઞાનેશ્વર મહારાજ પાલકી માર્ગનું નિર્માણ ૫ તબક્કામાં થશે અને સંત તુકારામ પાલકી માર્ગનું નિર્માણ ૩ તબક્કામાં પૂરું કરાશે. તેમણે એમ પણ કહ્યું કે દેહુનું શિલા મંદિર ભક્તિની શક્તિનું એક કેન્દ્ર હોવાની સાથે સાથે ભારતના સાંસ્કૃતિક ભવિષ્યને પણ પ્રશસ્ત કરે છે.

આ પવિત્ર સ્થાનનું પુર્નનિર્માણ કરવા બદલ હું મંદિર ન્યાસ અને તમામ ભક્તોનો આભાર માનું છું.
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે ભારત શાશ્વત છે કારણ કે ભારત સંતોની ધરતી છે. દરેક યુગમાં આપણા ત્યા, દેશ અને સમાજને દિશા દેખાડવા માટે કોઈને કોઈ મહાન આત્માનો જન્મ થતો રહ્યો છે. આજે દેશ સંત કબીરદાસની જયંતી ઉજવી રહ્યો છે.

તેમણે કહ્યું કે સંત તુકારામજીની દયા, કરુણા અને સેવાનો તે પાઠ તેમના ‘અભંગો’ તરીકે આજે પણ આપણી પાસે છે. આ અભંગોએ આપણી પેઢીને પ્રેરણા આપી છે. જે ભંગ નથી થતું, જે સમય સાથે શાશ્વત અને પ્રાસંગિક રહે છે તે જ તો અભંગ હોય છે. સંત તુકારામજી કહેતા હતા કે સમાજમાં ઊંચ નીચનો ભેદભાવ ખુબ મોટું પાપ છે. તેમનો આ ઉપદેશજેટલો જરૂરી ભગવતભક્તિ માટે છે, તેનાથી પણ મહત્વપૂર્ણ રાષ્ટ્રભક્તિ અને સમાજભક્તિ માટે પણ છે.

પીએમ મોદીએ કહ્યું કે આજે દેશ સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસના મંત્ર પર આગળ વધી રહ્યો છે. સરકારની દરેક યોજનાનો લાભ દરેકને કોઈ પણ ભેદભાવ વગર મળી રહ્યો છે.તેમણે કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજ જેવા રાષ્ટ્રનાયકના જીવનમાં પણ તુકારામજી જેવા સંતોએ મહત્વની ભૂમિકા ભજવી. આઝાદીની લડતમાં વીર સાવરકરજીને જ્યારે સજા થઈ, ત્યારે જેલમાં તેઓ હથકડીને ચિપલીની જેમ વગાડીને તુકારામજીના અભંગ ગાતા હતા.HS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.