વડોદરાના ફિલિંગ સ્ટેશનમાં ઓક્સિજનનો જથ્થો ખૂટ્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/10/oxygen-1024x665.jpg)
प्रतिकात्मक
જથ્થો આવવામાં મોડું થતાં ખાનગી હોસ્પિટલના કેટલાક ઓક્સિજનના ટેમ્પા આવ્યા તેને પરત ફરવાનો વારો આવ્યો
વડોદરા, વડોદરા શહેરમાં એક તરફ ઓક્સિજનની તંગી સર્જાઇ છે તો બીજી તરફ વહીવટી તંત્ર વડોદરા શહેરને પૂરતો ઓક્સિજનનો જથ્થો મળે તે માટે સતત રાજ્ય સરકારમાં રજૂઆત કરી રહ્યા છે ત્યારે આજે નવલખી મેદાન ખાતે ઓક્સિજન ફિલિંગ સ્ટેશન ઉભુ કરવામાં આવ્યું હતું ત્યાં ઓક્સિજનનો જથ્થો ખૂટી પડયો હતો જેથી ખાનગી હોસ્પિટલના કેટલાક ઓક્સિજનના ટેમ્પા પરત ફર્યા હતા.
વડોદરા શહેરમાં કોરોના મહામારી ના કેસોમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે ત્યારે એક મહિના પહેલા જ્યારે માત્ર ૧૫ ટન ઓક્સીજનની જરૂરિયાત હતી તે આજે વધીને ૧૭૨ મેટ્રિક ટન પર પહોંચી છે.
વડોદરા શહેરમાં ઓક્સિજનનો જથ્થો જળવાઈ રહે તે માટે નવલખી મેદાન ખાતે ઓક્સિજન ફિલિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું હતું જ્યાંથી ખાનગી હોસ્પિટલોના સંચાલકોને ઓક્સિજન નું વિતરણ કરવામાં આવતું હતું પરંતુ આજે ઓક્સિજનનો જથ્થો આવવામાં મોડું થતાં ખાનગી હોસ્પિટલના કેટલાક ઓક્સિજન ના ટેમ્પા આવ્યા હતા તેને પરત ફરવાનો વારો આવ્યો હતો.
આ અંગે સંગમ હોસ્પિટલના કર્મચારી ભરત પરમાર એ જણાવ્યું હતું કે છેલ્લા એક કલાકથી ઓક્સિજન માટે રાહ જાેઇને ઊભા છે પરંતુ જથ્થો ક્યારે આવશે તેની કોઈ જાણકારી આપવામાં આવતી નથી. એક બાજુ ઓક્સિજનના જથ્થાની તંગી સર્જાઈ છે તો બીજી બાજુ નર્મદા રાજ્યમંત્રી યોગેશ પટેલે સ્પષ્ટતા કરી છે કે વડોદરા શહેરમાં હાલ ૧૭૨ મેટ્રિક ટન ઓક્સીજનની જરૂરિયાત છે આજે કુલ ૧૮૯ મેટ્રિક ટન ઓક્સિજનનો જથ્થો રાજ્ય સરકાર તરફથી મળ્યો હતો જેમાં ૧૮ ટનની ઓક્સિજનનો જથ્થો આણંદ ગોધરા અને નડિયાદને આપવામાં આવ્યો છે.
તેમણે ઉમેર્યું હતું કે વડોદરાને પૂરતો ઓક્સિજનનો જથ્થો મળી રહે તે માટે વહીવટીતંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સતત પ્રયત્નશીલ રહ્યા છે આજે પૂરતો જથ્થો આવ્યો છે પરંતુ આવતીકાલે પાંચ થી દસ ટન ઓક્સિજનનો જથ્થો ઓછો પણ આવે તેવી પણ પરિસ્થિતિ રહેશે.