વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલની આત્મહત્યા
ત્રણ દિવસમાં ડિપ્રેશનના કારણે આ ત્રીજો આત્મહત્યાનો બનાવ
અમદાવાદ: શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક કોન્સ્ટેબલે સેટેલાઈટમાં પોતાના ઘરે આપઘાત કરતા ચકચાર મચી છે. પ્રાથમિક તપાસમાં કોન્સ્ટેબલ ડિપ્રેશનમાં હોવાનું બહાર આવ્યું છે. પોલીસ હાલમાં વધુ તપાસ કરી રહી છે.
આ ઘટનાની વિગત એવી છે કે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને મૂળ ધંધુકાના રહેવાસી કોન્સ્ટેબલ વિશાલભાઈ ડાભી શુભ દર્શન એપાર્ટમેન્ટ, પ્રેરણાતીર્થ દેરાસર, સેટેલાઇટ ખાતે રહેતા હતા. આજે બપોરે તેમણે ઘરે કોઈ કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ તુરત સ્થળે પહોંચી ગઈ હતી. અને તપાસ શરુ કરતાં પ્રાથમિક તબક્કે વિશાલભાઈ ડિપ્રેશનમાં હોવાનું બહાર આવ્યું છે. તે અપરણિત હતા અને આ ફ્લેટમાં પોતાના ગામના મિત્રો સાથે રહેતા હતા. પોલીસે તેમની સાથે રહેતા મિત્રોની પણ પૂછપરછ શરુ કરી છે. ઉપરાંત તેમના પરિવારને આ ઘટનાની જાણ કરતા પરિવાર પર આભ તૂટી પડ્યો હતો. વર્ષ 2013 ની ભરતીમાં પોલીસમાં જોડાયા બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં નોકરી કરતા વિશાલભાઈની બદલી બે મહિના અગાઉ જ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં થઇ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં ત્રણ દિવસમાં ડિપ્રેશનના કારણે આ ત્રીજો આત્મહત્યાનો બનાવ છે.